Sun Aug 23 2026

Logo

જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી 2.165 કિલો સોનાના બિસ્કિટ સાથે દાણચોર પકડાયો, ભારત-બાંગ્લાદેશ સરહદેથી થઈ હતી તસ્કરી

2026-08-09 16:11:39
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુર: નાગપુર રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ટીમે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી હેઠળ આશરે 3 કરોડ 9 લાખ રૂપિયાની કિંમતનું વિદેશી સોનું ઝડપી પાડ્યું હતું. આ સોનું ભારત-બાંગ્લાદેશ સીમાની તસ્કરી મારફતે દેશમાં લાવવામાં આવ્યું હતુ, અને ટ્રેન દ્વારા આગળ લઇ જવામાં આવી રહ્યું હતું. ડીઆરઆઈની નાગપુર ટીમે ગુપ્ત સૂચનાના આધારે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં કાર્યવાહી કરતા સંદિગ્ધ પ્રવાસીને દબોચી લીધો હતો. તેની પાસેથી 16 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતા. 

મળતી વિગતો અનુસાર જપ્ત કરેલા સોનાના બિસ્કિટનું વજન 2.165 કિલોગ્રામ જેટલું મળી આવ્યું હતું. જેની અંદાજિત કિંમત 3 કરોડ 9 લાખ રૂપિયા જણાવવામાં આવી હતી. ડીઆરઆઇના અધિકારીઓને સૂચના મળી હતી કે દાણચોરી કરાયેલા સોનાને જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ મારફતે આગળ લઇ જવામાં આવી રહ્યા હતા, ત્યાર બાદ અધિકારીઓએ નાગપુર સ્ટેશન પર સંદિગ્ધ પ્રવાસી પર તાતી નજર રાખીને તેને ઝડપી પાડ્યો હતો. 

દાણચોરીનું સોનું છુપાવવા માટે આરોપીઓએ ખાસ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. સોનાના બિસ્કિટ પેન્ટની રંગીન સેલોટેપથી લપેટીને જૂના છાપામાં બાંધીને રાખ્યા હતા. જેનો હેતુ સોનાની ઓળખ છુપાવવી અને તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીને ભરમાવવાનો હતો. જોકે ડીઆરઆઈને મળેલી ગુપ્ત જાણકારીના લીધે દાણચોરીની યોજના નિષ્ફ્ળ બનાવી હતી.

પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા કથિતપણે દાણચોરીના સોનાને છુપાવવા અને તેને નિશ્ચિત વ્યક્તિ સુધી પહોંચાડવાની વાત સ્વીકારવામાં આવી હતી. ડીઆરઆઈએ સીમા શુલ્ક અધિનિયમ 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરી આરોપી પ્રવાસીની અટકાયત કરી હતી. 

હાલમાં ડીઆરઆઈ આ સમગ્ર મામલે ઊંડી તપાસ કરી રહી છે. એજન્સીએ ભારતમાં આટલું સોનુ ક્યાંથી લાવવામાં આવ્યું અને દાણચોરીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને જપ્ત કરાયેલું સોનું ક્યાં વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવતું હતું, આ દરેક બાબતો વિશે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.