- ડો. માજિદ અલીમ
મહિલાઓનું શરીર અલગ-અલગ ઉંમરે સતત વિવિધ ફેરફારોમાંથી પસાર થાય છે. 35+ વયની મહિલાઓ આ ફેરફારોનો વધુ સ્પષ્ટતાથી સામનો કરે છે. કામકાજની જવાબદારીઓ, પરિવારની સંભાળ, વધતું માનસિક દબાણ અને બદલાતી જીવનશૈલીની સૌથી પહેલી અસર હોર્મોનલ સંતુલન પર જ પડે છે. પરિણામ સ્વરૂપ થાક, ચીડચીડાપણું, અનિયમિત માસિક ચક્ર, વજન વધવું, ઊંઘની સમસ્યા અને નબળાઈ જેવી સમસ્યાઓ સામે આવવા લાગે છે. નિષ્ણાતો માને છે કે આ ઉંમરે મહિલાઓના સ્વાસ્થ્યની મજબૂતી માત્ર દવાઓ કે સપ્લિમેન્ટ્સ પર નિર્ભર નથી કરતી, પરંતુ તેમને ત્રણ મૂળભૂત વસ્તુઓની જરૂર હોય છે, યોગ, પૂરતી ઊંઘ અને હોર્મોનલ સંતુલન. જો આ ત્રણેય બાબતો પર ધ્યાન આપવામાં આવે તો માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ સારું નથી રહેતું, પરંતુ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પણ મજબૂત બને છે.
સવાલ એ છે કે હોર્મોનલ સંતુલન 35+ ની મહિલાઓ માટે કેમ જરૂરી છે? કારણ કે તે ઊર્જા, મૂડ, ઊંઘ, ભૂખ, વજન, પ્રજનન સ્વાસ્થ્ય અને ત્વચાને પ્રભાવિત કરે છે. 35 વર્ષ પછી એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને અન્ય હોર્મોન્સના સ્તરમાં ધીમે-ધીમે ફેરફાર શરૂ થઈ જાય છે.
જો આ ઉંમરે હોર્મોનલ સંતુલન બગડે, તો મહિલાઓને કોઈ પણ કારણ વગર પણ થાક અનુભવાય છે. આ ઉંમરે ઘણી મહિલાઓમાં વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે, જ્યારે કેટલીક મહિલાઓને ચિંતા, તણાવ કે મૂડ સ્વિંગ્સની સમસ્યા પરેશાન કરવા લાગે છે. તેથી હોર્મોનલ સ્વાસ્થ્યની ઉપેક્ષા કરવી એ લાંબા ગાળે સ્વાસ્થ્ય સંબંધી મોટી સમસ્યાઓને જન્મ આપી શકે છે. આવી સ્થિતિમાં યોગ કરવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આપણે બધા જાણીએ છીએ કે યોગ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ તન અને મન વચ્ચે સંતુલન સાધવાની પ્રક્રિયા છે. ઘણાં સંશોધનો દર્શાવે છે કે નિયમિત યોગ કરવાથી તણાવના હોર્મોન એટલે કે ‘કાર્ટિસોલ’ના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
ભુજંગાસન, તાળાસન, ત્રિકોણાસન, વજ્રાસન અને સેતુબંધાસન જેવાં આસનો શરીરની ફ્લેક્સિબિલિટી વધારવાની સાથે-સાથે રક્ત પરિભ્રમણને પણ બહેતર બનાવે છે. અનુલોમ-વિલોમ અને ભ્રામરી જેવા પ્રાણાયામ માનસિક શાંતિ પ્રદાન કરે છે.
યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કોઈપણ ઉંમરે શરૂ કરી શકાય છે અને નિયમિત અભ્યાસથી દરેક ઉંમરે તે શરીરની ઊર્જા વધારે છે. તેનાથી ઊંઘ સારી આવે છે અને માનસિક તણાવ ઓછો થાય છે. જ્યાં સુધી ઊંઘનો આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધ છે, તો ખાસ કરીને 35+ ઉંમરની મહિલાઓ માટે ઊંઘ તેમના સ્વાસ્થ્યની સૌથી સરળ અને સસ્તી દવા છે.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આ ઉંમરે ઘણી મહિલાઓ પૂરતી ઊંઘ લઈ શકતી નથી. જ્યારે શરીરને પૂરતી ઊંઘ નથી મળતી, ત્યારે તે શરીરના ઘસારાને સરખો કરવા માટે પુન:નિર્માણનું કામ કરી શકતું નથી. પરંતુ જો પૂરતી ઊંઘ મળે
છે, ત્યારે તે માત્ર શરીરને સ્વસ્થ જ નથી રાખતી પણ હોર્મોનલ સંતુલનને પણ યોગ્ય રાખે છે.
સતત ઓછી ઊંઘ લેવાથી હોર્મોનલ અસંતુલન વધી જાય છે અને ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે, જેનાથી વજન વધવાની શક્યતા પણ વધી જાય છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો મહિલાઓને, ખાસ કરીને 35+ ઉંમરની મહિલાઓને દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવાની સલાહ આપે છે. અને હા, આ ઉંમરે તણાવમાં તો બિલકુલ રહેવું જોઈએ નહીં.
લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી પણ હોર્મોનલ સંતુલન બગડે છે અને તેમાં સંતુલિત આહાર ન લેવાની પણ મોટી ભૂમિકા હોય છે. તેથી 35+ ઉંમરની મહિલાઓ માટે ઊંઘ અને યોગની જેમ જ પોતાના ખોરાક પર પણ ધ્યાન આપવું જરૂરી છે, જેથી આ ઉંમરે તેમને પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન ડી જેવાં પોષક તત્ત્વોે ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે. આ માટે જરૂરી છે કે ખોરાકમાં મોટેભાગે લીલા પાંદડાવાળા શાકભાજી, દાળ, ડેરી પ્રોડક્ટ્સની સાથે-સાથે સૂકો મેવો, વિવિધ પ્રકારનાં કઠોળ અને દરેક ઋતુના ફળો સામેલ હોય.
આ ઉંમર સુધી પહોંચતા-પહોંચતા ડેરી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોનું સેવન ખૂબ જ ઓછું કરી દેવું જોઈએ. 35 વર્ષ પછી સ્વાસ્થ્યને જાળવી રાખવા અને ચમકદાર વ્યક્તિત્વનું સિક્રેટ આ જ છે સારી ઊંઘ, હોર્મોનલ સંતુલન, પૌષ્ટિક અને સંતુલિત આહાર તેમજ નિયમિત યોગ. તેથી મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યમાં ‘લાંબા ગાળાના રોકાણ’ તરીકે આ ત્રણ બાબતોને ચોક્કસપણે લાગુ કરવી જોઈએ. આ જ તેમના સ્વસ્થ, ઊર્જાવાન અને સંતુલિત જીવનનો મજબૂત પાયો બને છે.
35+ સ્ત્રીઓ માટે મહત્ત્વપૂર્ણ હેલ્થ મંત્ર
*દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ અથવા હળવી કસરત કરો.
*દરરોજ રાતે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની સારી ઊંઘ લો.
*મોડી રાત સુધી મોબાઈલ અને સ્ક્રીન જોવાનું ટાળો.
*આહારમાં પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ પૂરતું રાખો.
*તણાવ ઓછો કરવા માટે પ્રાણાયામનો અભ્યાસ કરો.
*નિયમિત આરોગ્ય તપાસ કરાવો.
*દરરોજ પૂરતું પાણી પીવો.
*વધુ પડતા કેફીનનું સેવન ટાળો.