Sun Sep 13 2026

Logo

સુરતમાં ડબલ મર્ડર: માતા-દીકરીની હત્યા બાદ સાથે રહેતો યુવક ફોન લઈને છૂમંતર થઈ જતાં અનેક તર્ક વિતર્ક

2026-09-03 12:27:00
Author: Mayur Patel
સુરતમાં ડબલ મર્ડર: માતા-દીકરીની હત્યા બાદ સાથે રહેતો યુવક ફોન લઈને છૂમંતર થઈ જતાં અનેક તર્ક વિતર્ક

સુરત: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. મુસ્લિમ બિલ્ડરની હત્યાના 24 કલાકમાં માતા-પુત્રીની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. ડબલ મર્ડર બાદ હત્યારો બંનેના ફોન સાથે લઈને છૂમંતર થઈ જતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ કેસમાં વતનના યુવક સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે.

શું છે મામલો

શહેરના પૂણા કેનાલ રોડ સ્થિત શિવનગર સોસાયટીના એક મકાનમાં માતા અને પુત્રીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકોની ઓળખ જાશાબેન શ્રીવાસ્તવ (ઉ.વ.42) અને તેમની દીકરી મુસ્કાન (ઉ.વ.19) તરીકે થઈ હતી. ઘટનાસ્થળેથી બંનેના મોબાઈલ ફોન ગાયબ હોવાથી લૂંટ કે પુરાવાનો નાશ કરવાના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા શ્રીવાસ્તવ પરિવારના મોભી હીરા ઘસવાનું અને મોટો દીકરો  ડિજિટલ પ્રિન્ટિંગનું કામ કરે છે. ઘટનાના દિવસે પિતા અને પુત્ર કામ પર ગયા હતા, જ્યારે બે નાના ભાઈઓ શાળાએ ગયા હોવાથી ઘરમાં માત્ર માતા અને પુત્રી જ હાજર હતાં.

મૃતકના પુત્રએ  જણાવ્યું કે, બપોરે લગભગ 12.30 થી 1 વાગ્યાના અરસામાં માતાનો ફોન આવ્યો હતો કે તેમના જ ગામનો વતની અને દોઢ વર્ષથી તેમની સાથે રહેતો હિમાંશુ સિંહ તેમને મારી રહ્યો છે. આ સાંભળી તેઓ તાત્કાલિક ઘરે જવા નીકળ્યો હતો, પરંતુ સરદાર માર્કેટ પાસે ભારે ટ્રાફિક નડતાં તે સમયસર પહોંચી શક્યો નહોતો. તે ઘરે પહોંચ્યો ત્યારે બંનેના મોત નીપજ્યાં હતાં.

ઘરમાં પાછળના રૂમમાં માતાનો મૃતદેહ ગળામાં સાડી લપેટેલી હાલતમાં જમીન પર પડ્યો હતો, જ્યારે સાડીનો અડધો કપાયેલો હિસ્સો પંખા સાથે લટકતો હતો. આગળના રૂમમાં પુત્રીનો મૃતદેહ મળ્યો હતો, જેના ગળા પર જોરથી દબાવ્યાના કાળા ડાઘ અને ઈજાના ગંભીર નિશાન હતા. આરોપી બંનેના મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયો ગયો. 

બનાવની જાણ થતાં જ પૂણા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી, ગુમ થયેલા ફોનની કૉલ ડિટેઈલ્સ અને લોકેશનના આધારે ફરાર આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી પકડાયા બાદ જ માતા-પુત્રીની હત્યાનું સાચું કારણ સામે આવશે.