તહેરાનઃ અમેરિકા-ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કરી રહ્યાં છે. ઈરાનના અનેક ક્ષેત્રો પર અમેરિકા-ઇઝરાયલે હુમલાઓ કર્યાં છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે ચેતવણી પણ આપી છે કે જો તેનું પાલન કરવામાં નિષ્ફળતા મળશે તો પાવર પ્લાન્ટ્સ પર હુમલા થશે. જો આ સમયમર્યાદામાં સ્ટ્રેટ સંપૂર્ણપણે અને સુરક્ષિત રીતે ફરીથી ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના અનેક પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તેનો નાશ કરશે તેવી ટ્રમ્પે ધમકી આપી છે. અમેરિકાએ આપેલી ધમકી પર હવે ઈરાને વળતો જવાબ આપ્યો છે.
ઈરાને અમેરિકા અને તેના સાથી દેશોને આપી ધમકી
ઈરાની લશ્કરી પ્રવક્તાએ ચેતવણી આપી છે કે, ઈરાનના ઈંધણ અને ઉર્જા સુવિધાઓ પર કોઈપણ હુમલો કરવામાં આવશે તો તેનો જવાબ સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકા અને તેના સાથી દેશોની સંપત્તિઓ પર હુમલો કરીને આપવામાં આવશે. ઈરાન ગલ્ફ દેશોમાં યુએસ અને તેના સાથી દેશોના ઉર્જા પ્લાન્ટ્સ, આઇટી નેટવર્ક્સ અને ડિસેલિનેશન સુવિધાઓ પર મિસાઇલો છોડવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
ઈરાને યુદ્ધ વિરામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી
મહત્વની વાત એ છે કે, ઈરાને યુદ્ધ વિરામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઈરાન અત્યારે યુદ્ધનો પૂર્ણ, વ્યાપક અને સ્થાયી અંત માટે પ્રયત્ન કરી રહ્યું છે. એટલા માટે જ અમેરિકા દ્વારા આપવામાં આવેલી ધમકીનો પણ ધમકીભર્યો જવાબ આપવામાં આવ્યો છે. યુદ્ધના કારણે ઈરાનને જેટલું પણ નુકસાન થયું છે, તેની ઈરાન ભરપાઈ કરવામાં માંગે છે. એટલું જ નહીં પરંતુ અમેરિકા દ્વારા જે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું ત્યારે પણ ઈરાને ગભરાયા વિના વળતો જવાબ આપ્યો છે.