Sun Sep 06 2026

Logo

સાયબર ફ્રોડના કેસોમાં બૅન્ક ખાતાનો ઉપયોગ થયાની જાણકારી મળતાં મહિલાનો આપઘાત

2026-08-28 17:06:38
Author: Yogesh C. Patel
સાયબર ફ્રોડના કેસોમાં બૅન્ક ખાતાનો ઉપયોગ થયાની જાણકારી મળતાં મહિલાનો આપઘાત

થાણે: દેશભરમાં સાયબર ફ્રોડના અનેક કેસોમાં પોતાના બૅન્ક ખાતાનો કથિત રીતે ઉપયોગ થયો હોવાની જાણ થતાં ચિંતામાં સરી પડેલી મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના થાણે જિલ્લાના ડોમ્બિવલી ખાતે બની હતી.
પોલીસના જણાવ્યા મૃજબ મૃતકની ઓળખ દેવિકા અર્મુગમ પંડારામ (38) તરીકે થઈ હતી. ડોમ્બિવલી પૂર્વની સાંઈરામ સોસાયટીમાં રહેતી દેવિકાએ બ્લૅકથી કાંડાની નસ કાપી પોતાનું ગળું ચીર્યું હતું.

રાજસ્થાનના ચુરુ સાયબર સેલ પોલીસ સ્ટેશનના અધિકારી આઠમી ઑગસ્ટે દેવિકાના ઘરે આવ્યા હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાંના દેવિકાના એકાઉન્ટનો ઉપયોગ એક ઑનલાઈન ફ્રોડમાં કથિ રીતે થયો હોવાથી ભારતીય ન્યાય સંહિતાની સુસંગ કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળના કેસમાં પૂછપરછ માટે હાજર થવાની નોટિસ અધિકારીઓએ આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

આ અંગે ચોખવટ કરવા માટે દેવિકા થાણે પોલીસ મુખ્યાલયમાં આવેલા સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં ગઈ હતી. ત્યાંના અધિકારી સાથેની વાતચીતમાં તેને જાણવા મળ્યું હતું કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ, બિહાર અને તમિળનાડુ રાજ્યોમાં તેની વિરુદ્ધ અનેક સાયબર ફ્રોડના કેસો નોંધાયેલા છે.

પોલીસ પૂછપરછનો સામનો કરવા તેણે વિવિધ રાજ્યોમાં જવું પડશે, એવા વિચારથી તેના મનમાં ડર પેસી ગયો હતો. ચિંતામાં તેણે મંગળવારની સાંજે ચાર વાગ્યાની આસપાસ બ્લૅડથી કાંડાની નસ કાપ્યા પછી ગળા પર ચીરો મૂક્યો હતો, એવું તેનાં સગાંસંબંધીએ પોલીસને કહ્યું હતું.

લોહીલુહાણ હાલતમાં દેવિકાને પરિવારજનો નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી તેને પાલિકા સંચાલિત શાસ્ત્રી નગર હૉસ્પિટલમાં લઈ જવાની ભલામણ કરાઈ હતી. પાલિકાની હૉસ્પિટલમાં લઈ જવાયેલી દેવિકાને તબીબે મૃત જાહેર કરી હતી. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)