Tue Jun 23 2026

Logo

ફોકસ પ્લસઃ સ્વસ્થ ઊંઘ માટે કરો સ્લીપ યોગા...

2026-06-23 09:55:00
Author: Divya Jyoti 'Nandan'
Article Image

દિવ્યજ્યોતિ ‘નંદન’

દિવસભરની દોડધામ, વધતી જતી હરીફાઈ, કામનું દબાણ અને ચોવીસે કલાક સક્રિય રહેતી ડિજિટલ દુનિયાએ આધુનિક માનવી પાસેથી તેની સૌથી મૂલ્યવાન સંપત્તિ એટલે કે ચેન-સુકૂનની ઊંઘ છીનવી લીધી છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો થાકેલા તો હોય છે તેમ છતાં પથારીમાં આખી રાત પડખાં બદલતા રહે છે, પણ ઊંઘ નથી આવતી. ઘણા લોકો મોડી રાત સુધી મોબાઇલમાં રીલ્સ જોતા રહે છે અને સાથે એવું વિચારતા પણ રહે છે કે તેમણે સૂઈ જવું જોઈએ, નહીં તો બીજા દિવસે ઑફિસમાં તકલીફ પડશે, છતાંય મોડી રાત સુધી તેમને ઊંઘ આવતી નથી. 

આજકાલ આવાં એક નહીં પણ અનેક કારણો છે, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ છે, જેના કારણે લોકો માટે પૂરતી ઊંઘ લેવી એ હવે એક સ્વપપ્ન જેવું બની ગયું છે. આ જ કારણે સ્વાસ્થ્ય નિષ્ણાતોનું ધ્યાન આજકાલ ‘સ્લીપ યોગા’ તરફ ગયું છે. સ્લીપ યોગા અથવા નિદ્રા યોગ એ યોગાસનો દ્વારા ઊંઘ મેળવવાનો એક એવો ઉપાય છે જે આજે પણ ગાઢ ઊંઘનો અનુભવ કરાવી શકે છે. એટલા માટે જ આજે લાખો લોકો સ્વસ્થ ઊંઘ માટે સ્લીપ યોગાનો અભ્યાસ કરી રહ્યા છે.

ઊંડા શ્વાસ, ધ્યાન અને આરામદાયક આસનો દ્વારા ખૂબ જ સરળતાથી યોગ નિદ્રા પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ સ્લીપ યોગા વિશે જાણતા પહેલાં એ સ્પષ્ટ કરી લેવું જરૂરી છે કે આ પદ્ધતિ માત્ર ઊંઘ લાવવાનો ઉપાય નથી, પરંતુ તેનાથી શરીરની બાયોલોજિકલ ક્લોકને પણ સંતુલિત કરી શકાય છે. માનસિક તણાવ ઘટાડવા અને ઊંઘની ગુણવત્તા સુધારવાનું આ એક માધ્યમ છે. 

શું છે સ્લીપ યોગા?

વાસ્તવમાં સ્લીપ યોગા એ એવી યોગ તકનીક છે જે સૂતાં પહેલાં શરીર અને મનને શાંત કરવા માટે જરૂરી હોય છે. આમાં મુખ્યત્વે શામેલ છે- ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ એટલે કે ડીપ બ્રીધિંગ, યોગ મુદ્રા, હળવાં સ્ટ્રેચિંગ આસનો, મેડિટેશન અને માઇન્ડફુલનેસ તકનીકો. ખરેખર તો આ બધી તકનીકોનો ઉદ્દેશ્ય શરીરને આરામ આપવાનો અને નર્વસ સિસ્ટમને વિશ્રામ કરવા માટેનો સંકેત આપવાનો છે. નિષ્ણાતો જાણે છે કે સ્લીપ યોગા ઊંઘને બળજબરીથી લાવવાનો પ્રયાસ નથી કરતો, પરંતુ તે શરીરની કુદરતી ઊંઘની પ્રક્રિયાને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વસ્થ અને સહજ બનાવી દે છે.

ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે

વાસ્તવમાં આજે લોકો શારીરિક કરતાં માનસિક રીતે વધુ થાકી ચૂક્યા છે. નોકરીની અનિશ્ર્ચિતતા, વધતી મોંઘવારીને કારણે વધતું આર્થિક દબાણ, પારિવારિક જવાબદારીઓ અને ડિજિટલ જીવનશૈલીમાં સતત સક્રિય રહેવાની મજબૂરી આ બધાં એવાં કારણો છે જેના લીધે આજે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સ્લીપ યોગા વાસ્તવમાં આવી જ સમસ્યાઓથી છુટકારો અપાવે છે. 

સ્લીપ યોગામાં શામેલ વિવિધ પ્રવૃત્તિઓ

મોટેભાગે જેને સ્લીપ યોગા કહેવામાં આવે છે તે કોઈ એક આસન નથી પરંતુ એક આસનની વિવિધ પ્રવૃત્તિઓ અથવા કેટલાંય પ્રકારનાં આસનોનો એક સમૂહ છે જેનાથી આપણને ઊંડી માનસિક શાંતિ અને આરામ મળે છે.

આમાં પહેલો અભ્યાસ ‘વિપરીત કરણી’નો છે. આ માટે દીવાલના સહારે પગને ઉપર તરફ ઉઠાવીને એક સરળ અભ્યાસ કરવામાં આવે છે. આનાથી દિવસભરનો થાક ઓછો થાય છે.

સ્લીપ યોગામાં શામેલ બીજી પ્રવૃત્તિ ‘શવાસન’ છે. આ વાસ્તવમાં સ્લીપ યોગાનો જ એક હિસ્સો છે. આ અંતર્ગત શરીરને સંપૂર્ણપણે ઢીલું છોડી દેવામાં આવે છે, જેના કારણે આ અભ્યાસ માનસિક તણાવ ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

અનુલોમ-વિલોમ અને ડીપ બ્રીધિંગ, આ પણ સ્લીપ યોગાના કમ્પ્લીટ પૅકેજનો જ એક ભાગ છે. આ અંતર્ગત ધીમા અને નિયંત્રિત શ્વાસ લેવાથી નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ મળે છે, જેથી સૂવાની તૈયારી સરળ બની જાય છે.