અમદાવાદઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી ઘરે ઘરે જાણીતા બનેલા સુંદર મામા (મયુર વાકાણી) અને દયાબેન (દિશા વાકાણી) પર દુઃખનો પહાડ તુટી પડ્યો છે. તેમના પિતા ભીમભાઈ વાકાણીનું આજે 84 વર્ષની વયે નિધન થયું છે. ભીમભાઇ વાકાણી પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

આમિર-શાહરૂખ સાથે કર્યું છે કામ
ભીમભાઈ વાકાણી અભિનય જગતમાં એક જાણીતું નામ હતા. તેમણે આમિર ખાનથી લઈને શાહરૂખ ખાન સુધી બધા સાથે સ્ક્રીન શેર કરી હતી. તે આમિર ખાન સાથે લગાન, શાહરૂખ ખાન સાથે સ્વદેશ, લજ્જા અને વન્સ અપોન અ ટાઇમ ઇન ઇન્ડિયામાં કામ કરી ચૂક્યા હતા. ભીમભાઈ વાકાણીના નિધનથી તેનાપરિવારમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલા જગતના સાથીદારો તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
વાકાણી થિયેટર્સની સ્થાપના
ઉલ્લેખનીય છે કે ભીમભાઈ વાકાણી વર્ષોથી અભિનય ક્ષેત્રે સક્રિય હતા અને ત્રણેય માધ્યમમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેમણે અનેક નાટકોનું નિર્માણ, દિગ્દર્શન કર્યું હતું.

દિશા વાકાણીએ તેના પિતાના માર્ગદર્શન હેઠળ ખૂબ નાની વયે રંગભૂમિ પર પગલું મૂક્યું હતું. મંગળફેરા અને પહેલો સગો જેવા નાટકોમાં તેમણે બાળ કલાકાર તરીકે નાના પાત્રો ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.
તારક મહેતાના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીએ ભીમભાઈ વાકાણીના નિધન પર કહ્યું, તેમણે દિશા અને મયુરને આ ફિલ્ડમાં જવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જ શરૂઆતમાં મુંબઈમાં દિશાને મોકલી હતી.