Wed Jun 10 2026

Logo

ગુજરાતમાં શરૂ થઈ ડિજિટલ વસ્તી ગણતરી, આ રીતે કરો સ્વ ગણતરી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

2026-05-18 09:46:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં  જનગણના  2027 અન્વયે  સ્વ ગણતરીનો  રાજ્ય વ્યાપી પ્રારંભ થયો હતો. તા.31-05-2026 સુધી લોકો પોતાની  જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં  સહભાગી થઈ શકશે.  મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવી હતી. નાગરિકો પોતાના ઘર, પરિવારની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે સ્વ ગણતરીની સુવિધા આપવામાં આવી છે.

આ રીતે કરો સ્ટેપ બાય સ્ટેપ સ્વ ગણતરી

* નાગરિકો https://se.census.gov.in/ પર જઈને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
* ત્યાર પછી નકશા પર ઘરનું લોકેશન સેટ કરો, પરિવારની વિગતો ભરો અને સબમિટ કરો.
* આ પછી SE ID મળષે. વસ્તી ગણતરીકાર ફિલ્ડ વિઝિટ પર આવે ત્યારે તેમને આઈડી આપો.
* તમારા ડેટાની પુષ્ટિ થશે અને વસ્તી ગણતરીમાં સમાવેશ થશે.
* પરિવારના વડા અથવા કોઈપણ પુખ્ય વયની વ્યક્તિ પરિવારના બધા સભ્યોની માહિતી ભરી શકશે.
* તેઓ સિંગલ હાઉસહોલ્ડ લોગિનમાં આ માહિતી ભરી શકશે.
* વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર શેનું બનેલું છે, કેવી સ્થિતિમાં છે, પીવાના પાણી, શૌચાલય, વીજળી, ઈન્ટરનેટ વગેરે વિશે 33 વિગતો ભરવાની રહેશે.

કોઈ દસ્તાવેજ નહીં આપવા પડે

તમારે કોઈ દસ્તાવેજ નહીં આપવા પડે. તમે જે માહિતી આપી હશે તેના આધારે સરકારી કર્મચારી માહિતી રેકોર્ડ કરશે. તેના કોઈ પુરાવા આપવા નહીં પડે. સેન્સસ એક્ટ 1948 હેઠળ તમારી અંગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને કોઈને શેર કરવામાં નહીં આવે. માત્ર સરેરાશ ડેટા અથવા સમરીને જ પ્રકાશિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરી માં ભાગ લઈ શકશે . ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.