Mon Oct 05 2026

Logo

બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી વચ્ચે 'ધુરંધર 2' વિવાદમાં, ગીતની ચોરીનો લાગ્યો આરોપ

2026-04-12 11:59:00
Author: Mumbai samachar Team
બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી વચ્ચે 'ધુરંધર 2' વિવાદમાં, ગીતની ચોરીનો લાગ્યો આરોપ

ફિલ્મ 'ધુરંધર 2' અત્યારે બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે અને દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. માત્ર 24 દિવસમાં આ ફિલ્મે ભારતમાં 1050 કરોડથી વધુનો આંકડો વટાવી દીધો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તેની કમાણી 1700 કરોડને પાર પહોંચી ગઈ છે. જોકે, આ જબરદસ્ત સફળતાની સાથે ફિલ્મ વિવાદોમાં પણ ઘેરાયેલી જોવા મળી રહી છે. પ્રોપેગન્ડાના આક્ષેપો બાદ હવે આ ફિલ્મ પર પ્રખ્યાત ગીતની ચોરીનો ગંભીર આરોપ લાગતા મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો છે.

વિવાદનું મુખ્ય કારણ 1989ની સુપરહિટ ફિલ્મ 'ત્રિદેવ'નું આઇકોનિક ગીત 'તિરછી ટોપીવાલે' છે. 'ધુરંધર 2' માં આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આરોપ છે કે મેકર્સે આ માટે કોઈ પરવાનગી લીધી નથી. 'ત્રિદેવ'ના નિર્દેશક રાજીવ રાયે આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવ રાયે એક ઇન્ટરવ્યુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, કોઈની પરવાનગી વગર ગીતનો ઉપયોગ કરવો એ સ્પષ્ટપણે 'ચોરી' છે અને આ મામલે તેઓ કાયદાકીય લડત લડવા તૈયાર છે.

શું છે રાજીવ રાયનો પક્ષ?
રાજીવ રાયે જણાવ્યું કે, "આ ગીત મારુ ક્રિએશન છે. મેં આ ગીત બનાવવા માટે આનંદ બક્ષી અને સંગીતકારોને પૈસા ચૂકવ્યા હતા. 'ધુરંધર 2' ની ટીમે ન તો મારી મંજૂરી લીધી, ન તો મને કોઈ ક્રેડિટ આપી." તેમણે વધુમાં ઉમેર્યું કે ગીતને અલ્ટર કરીને બીજી ફિલ્મમાં મૂકવું એ ડબલ ચોરી સમાન છે. તેમણે આ બાબતને એક ગુનો ગણાવીને મેકર્સ સામે આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે.

જેમને યાદ ન હોય તેમને જણાવી દઈએ કે વર્ષ 1989માં રિલીઝ થયેલી 'ત્રિદેવ' તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. સની દેઓલ, જેકી શ્રોફ, નસીરુદ્દીન શાહ અને માધુરી દીક્ષિત જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ તેના ગીતોને કારણે આજે પણ લોકપ્રિય છે. 'તિરછી ટોપીવાલે' ગીત તે સમયે ગલીએ-ગલીએ ગુંજતું હતું. હવે જ્યારે દાયકાઓ પછી આ ગીત ફરી ચર્ચામાં આવ્યું છે, ત્યારે કાયદાકીય ગૂંચવણોને કારણે 'ધુરંધર 2' ના મેકર્સની મુશ્કેલીઓ વધી શકે છે.