Sun Sep 13 2026

Logo

શિક્ષિકા હત્યા કેસ: નર્મદા કેનાલ પાસે સળગેલી લાશ મળવાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

2026-06-04 19:06:40
Author: Devayat Khatana
શિક્ષિકા હત્યા કેસ: નર્મદા કેનાલ પાસે સળગેલી લાશ મળવાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
જિલ્લાના ધોળકા તાલુકામાં ચકચાર મચાવનાર એક ઘટનામાં કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી મળેલા મહિલાના અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. 

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક મહિલા વ્યવસાયે શિક્ષિકા એવા રીનાબહેન ઝાલા હતા અને તેમની ઘાતકી હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેમના જ શિક્ષક પતિ બળદેવ ઝાલાએ કરી હતી. 

બળદેવ ઝાલા ધોળકાની ખાત્રીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. પ્રાથમિક તપાસ મુજબ, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતા ઉગ્ર ઘરકંકાશથી કંટાળીને પતિએ જ પોતાની પત્નીને મોતના ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિએ ગુનાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને નર્મદા કેનાલના પાળા પર લઈ જઈ સળગાવી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા ધોળકા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી અને શંકાના આધારે શિક્ષક પતિ બળદેવ ઝાલાની અટકાયત કરી હતી. પોલીસે આગવી ઢબે કડક પૂછપરછ કરતા અંતે પતિ ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. 

હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે એક શિક્ષક દ્વારા જ આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધને પગલે સમગ્ર પંથક અને શૈક્ષણિક જગતમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.