Sat Sep 05 2026

Logo

હવે વિમાનમાં મનપસંદ સીટ માટે નહીં ખર્ચવા પડે વધારાના રૂપિયા, સરકારનો મોટો નિર્ણય

2026-03-18 15:48:00
Author: Mumbai Samachar Team
હવે વિમાનમાં મનપસંદ સીટ માટે નહીં ખર્ચવા પડે વધારાના રૂપિયા, સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માનવી માટે વિમાની સફરને વધુ પરવડે તેવી અને ઝંઝટમુક્ત બનાવવાનો છે. હવે એરલાઇન્સ કંપનીઓ પસંદગીની સીટના નામે વધારાના ચાર્જ વસૂલી શકશે નહીં, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ફાયદો થશે.

ડીજીસીએ (DGCA) ના નવા આદેશ મુજબ, હવે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો એવી રાખવી પડશે જેના માટે મુસાફરોએ કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવવો ન પડે. એટલું જ નહીં, જો એક જ PNR પર આખું પરિવાર કે ગ્રુપ મુસાફરી કરી રહ્યું હોય, તો એરલાઇન્સે તેમને સાથે જ બેસાડવા પડશે. અગાઉ ઘણીવાર પરિવારના સભ્યોને અલગ-અલગ સીટો મળતી હતી, પરંતુ હવે શક્ય હોય ત્યાં સુધી તેમને આજુબાજુની સીટો આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ફ્લાઇટ કેન્સલ થવા કે મોડી પડવાના કિસ્સામાં મુસાફરોના અધિકારોની માહિતી પ્રાદેશિક ભાષાઓમાં આપવી પણ જરૂરી બનશે.

નિયમોમાં ફેરફારની સાથે સાથે એરપોર્ટ પર મળતી સુવિધાઓમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર મોંઘા ખાણી-પીણીના ભાવથી મુક્તિ અપાવવા માટે 'ઉડાન યાત્રી કેફે' શરૂ કરવામાં આવ્યા છે. આ કેફેમાં મુસાફરોને માત્ર ૧૦ રૂપિયામાં ચા અને પાણી, જ્યારે અંદાજે ૨૦ રૂપિયામાં નાસ્તો ઉપલબ્ધ થશે. સામાન્ય લોકો માટે એરપોર્ટ પર કિફાયતી દરોએ ભોજન મળી રહે તે હેતુથી દેશના અનેક એરપોર્ટ પર આ સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં તેની સંખ્યા વધારવામાં આવશે.

પુસ્તક પ્રેમી મુસાફરો માટે એરપોર્ટ પર 'ફ્લાયબ્રેરી' (Flybrary) નામની અનોખી સેવા શરૂ કરાઈ છે, જ્યાં મુસાફરો મફતમાં પુસ્તકો વાંચી શકે છે. જો કોઈ પ્રવાસી પુસ્તક અધૂરું મૂકીને સફર શરૂ કરે, તો તે પુસ્તક પોતાની સાથે લઈ જઈ શકે છે અને આગામી યાત્રા દરમિયાન પરત કરી શકે છે. આ સાથે જ મુસાફરો ડિજિટલ દુનિયા સાથે જોડાયેલા રહે તે માટે મોટાભાગના એરપોર્ટ પર હાઈ-સ્પીડ ફ્રી Wi-Fi ની સુવિધા પણ આપવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પાલતુ પ્રાણીઓ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જવા માટે પણ હવે એરલાઇન્સે સ્પષ્ટ અને સરળ પોલિસી બનાવવી પડશે.