અમદાવાદઃ વેરાવળ જતી વંદે ભારતનો રૂટ ટૂંક સમયમાં બદલાઈ શકે છે. રેલવે મંત્રાલય દ્વારા 26901/26902 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલવા મંજૂરી આપવામાં આવી છે. સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે વાયા બોટાદ-જેતલસર-જૂનાગઢ રૂટ પર દોડશે. હાલ ટ્રેનનો રૂટ વિરમગામ-સુરેન્દ્રનગર-રાજકોટ, જેતલસર-જૂનાગઢ છે.
નવા સમયપત્રક પ્રમાણે ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ સાબરમતીથી સવારે 6 વાગે ઉપડશે. ગાંધીગ્રામ, ધોળકા, ધંધૂકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ રોકાઈને 12.50 કલાકે વેરાવળ પહોંચશે. ત્યાંથી આ ટ્રેન બપોરે 3.50 કલાકે ઉપડશે અને રાત્રે 10.25 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.
નવા રૂટ હેઠળ, સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અમદાવાદ જિલ્લામાં વધુ બે સ્ટેશનો મળશે, જે ગાંધીગ્રામ અને ધોળકા છે. આ ઉપરાંત, આ સુધારેલા રૂટને કારણે ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા પણ વંદે ભારત નેટવર્ક સાથે જોડાઈ જશે.
પશ્ચિમ રેલવે દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, આ સુધારેલા રૂટને મંજૂરી આપી દેવામાં આવી છે અને તેને એડવાન્સ રિઝર્વેશન પિરિયડ અથવા તો નો-બુકિંગ તારીખ, જે પણ વહેલું હોય ત્યારથી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ જ કારણે, હાલના તબક્કે આ ફેરફારો IRCTCની ટિકિટ બુકિંગ વેબસાઇટ પર જોવા મળી રહ્યા નથી.
રેલવેના ઉચ્ચ અધિકારીઓને આ રૂટ પરિવર્તનની વ્યાપક પ્રસિદ્ધિ કરવા અને તેના અમલીકરણ માટે જરૂરી તમામ ઓપરેશનલ વ્યવસ્થાઓ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.