મુંબઈ સમાચાર દ્વારા આયોજિત 'માતૃભાષા ભાગવત સપ્તાહ'માં સીએમ ફડણવીસે માતૃભાષાને માતાના સન્માન સમાન ગણાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ માતૃભાષા ભાગવત સપ્તાહના આજના છઠ્ઠા દિવસે મહારાષ્ટ્રના લોકલાડિલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને વધાવ્યું હતું. સીએમ ફડણવીસે માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન કરવા બદલ ખાસ તો મુંબઈ સમાચારને ધન્યવાદ કહ્યું હતું. 'મુંબઈ સમાચાર' વર્ષોથી કાર્યરત છે, જેને માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન કર્યું એ દરેકની માતૃભાષાના મહત્ત્વની બાબત છે, જે આપણી માતાના સન્માન બરાબર છે. એટલે જે માતૃભાષાનું સન્માન કરે છે એ લોકો પોતાની માતાનું સન્માન કરી શકે છે. આ બહુ સારી પહેલ છે.
આગળ જણાવતા ફડણવીસે કહ્યું હતું કે માતૃભાષા માટે એક વાત કહીશ કે આપણા આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ લાવ્યા અને એ શિક્ષણ નીતિમાં સૌથી વધુ મહત્ત્વ પણ માતૃભાષા પર આપ્યું છે. અને હવે આપણા દેશમાં કોઈ પણ ફિલ્ડમાં જનારા લોકો માતૃભાષામાં શિક્ષણ લઈ શકે એવી વ્યવસ્થા પણ પહેલી વખત કરી છે. અને એટલા માટે જરુરી છે કે, કારણ કે ભારત વિકસિત રાષ્ટ્ર છે, વિકાસશીલ રાષ્ટ્ર છે અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોમાં ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ પણ માતૃભાષા (એટલે જે તે દેશની માતૃભાષા)માં હોય છે, તેથી માતૃભાષાનું સન્માન અને માતૃભાષાને નવી ઊંચાઈ આપવાનું કામ થઈ રહ્યું છે.
#LIVE | मुख्यमंत्री देवेंद्र फडणवीस यांची मुंबई समाचारद्वारे आयोजित 'मातृभाषा भागवत सप्ताह' येथे प्रमुख उपस्थिती@Dev_Fadnavis @Samachar_Mumbai#Maharashtra #DevendraFadnavis #BhagwatSaptah https://t.co/8MVUdoIjYw
— CMO Maharashtra (@CMOMaharashtra) April 7, 2026
માતૃભાષાનું સન્માન અને માતૃભાષાને જે ઊંચાઈ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે, તેમાંય માતૃભાષાનો પણ બૃહદ અર્થ પણ બતાવ્યો છે. દેશની અલગ અલગ ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું છે તેમનું સન્માન કરવાનો પ્રયાસ કર્યો છે ભાગવત કથાના મારફત કર્યો છે. બીજી વાત કહીશ કે કળિયુગમાં જો આપણું મન સાફ કરવાનું કે આપણા આત્માની શુદ્ધિ કરવાની હોય તો ભાગવત કથા મારફત કરી શકીએ છીએ, તેમાંય વળી ભાઈશ્રીના મુખે ભાગવત કથા કરવામાં આવે છે ત્યારે તેની અનુભૂતિ કંઈક અલગ છે અને એનો આનંદ પણ કંઈ અલગ જ હોય છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
અહીં આજના છઠ્ઠા દિવસના રુક્મિણી વિવાહ પછી આરતીમાં પણ ફડણવીસે ભાગ લીધો હતો અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજને આવકાર્યા હતા અને કહ્યું હતું કે આજે મોટો દિવસ છે, જ્યાં રાજસત્તા અને ધર્મસત્તા બંને શક્તિ એક મંચ પર છે.
