Sun Jul 26 2026

Logo

ગ્લોબલ ટ્રેડમાં ભારે ઉથલપાથલ છતાં ગુજરાતનો દબદબો, 110 અબજ ડૉલરની નિકાસ સાથે સતત છઠ્ઠા વર્ષે નંબર-1

2026-06-29 12:11:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ વિશ્વમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ગુજરાતે દેશમાં ડંકો વગાડ્યો હતો. ગુજરાતમાં નિકાસમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોપ પર રહ્યું હતું. રાજ્યમાંથી 110 અબજ ડૉલરની નિકાસ થઈ હતી. ફાર્મા સેક્ટરની નિકાસમાં અમદાવાદ અગ્રેસર રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ લગાવેલો તોતિંગ ટેરિફ, નબળી માંગ અને સપ્લાય ચેઇનમાં અવરોધો જેવા મુશ્કેલ વૈશ્વિક વેપાર વાતાવરણ છતાં વર્ષ 2025-26માં ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે ભારતના સૌથી મોટા નિકાસકાર રાજ્ય તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. 

ગત નાણાકીય વર્ષ કરતાં ઓછી નિકાસ છતાં દબદબો

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષમાં રાજ્યના નિકાસ આશરે 110 અબજ ડૉલર રહી હતી.જે ગત નાણાકીય વર્ષના 116.33 અબજ ડૉલર કરતાં સહેજ ઓછી હતી. જોકે તેમ છતાં ગુજરાતે દેશમાં નિકાસમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જો કે, વૈશ્વિક વેપારને અસર કરનારા અનેક બાહ્ય આંચકાઓને જોતાં ઈન્ડસ્ટ્રી આ પ્રદર્શનને ખૂબ જ મજબૂત અને સ્થિતિસ્થાપક માની રહ્યું છે.

પેટ્રોલિયમ પેદાશો નિકાસમાં મોખરે

નિકાસમાં પેટ્રોલિયમ પેદાશોનો દબદબો યથાવત રહ્યો હતો, ત્યારબાદ જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટોમોબાઈલ્સ, ટેક્સટાઈલ, સિરામિક્સ અને એગ્રો-કેમિકલ્સ રહ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે, ચલણની મૂવમેન્ટ, માર્કેટ ડાયવર્સિફિકેશન અને ઓપરેશનલ કાર્યક્ષમતાએ પરંપરાગત બજારોમાં નબળી માંગની અસરને ઘટાડવામાં મદદ કરી છે.

આ ઉપરાંત  નૂર ભાડામાં અસ્થિરતા, બદલાતી વૈશ્વિક માંગ અને ટેરિફની અનિશ્ચિતતા જેવી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં નિકાસકારોએ આ પ્રદર્શન કર્યું છે. નબળા પડતા રૂપિયાએ નિકાસ સ્પર્ધાત્મકતાને થોડો ટેકો આપ્યો હતો, જ્યારે કંપનીઓએ પશ્ચિમ એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પોતાની હાજરી વિસ્તારવા માટે પરંપરાગત બજારોથી આગળ જોવાનું શરૂ કર્યું છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ ગુજરાતની આ મજબૂતાઈ પાછળ તેના વૈવિધ્યસભર મેન્યુફેક્ચરિંગ બેઝ, પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZs) ને શ્રેય આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, ગુજરાત તેના વૈવિધ્યસભર ઔદ્યોગિક આધાર અને મજબૂત વૈશ્વિક-બજાર અભિગમને કારણે નિકાસમાં અગ્રેસર છે, જે રાજ્યને કોઈપણ એક ક્ષેત્ર પર વધુ પડતી નિર્ભરતા ટાળવામાં મદદ કરે છે. ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો અને કાર્યક્ષમ બંદરોનું મોટું નેટવર્ક હોવાને કારણે ગુજરાતને ઉચ્ચ ક્ષમતાવાળી વૈશ્વિક કનેક્ટિવિટીનો લાભ મળે છે. SEZ આધારિત ઔદ્યોગિક ક્લસ્ટરો, ઔદ્યોગિક કોરિડોર, વિશ્વસનીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અવિરત વીજ પુરવઠો અને સતત વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) એ સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવી છે.

આ ઉપરાંત ગુજરાત સ્થિત ઉત્પાદકો યુએસ, યુરોપ, પશ્ચિમ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં તેમના ઉત્પાદનો નિકાસ કરી રહ્યા છે. ઘણા દેશો ચીનમાંથી આયાત ઘટાડી રહ્યા છે, જેનો સીધો ફાયદો રાજ્યને થઈ રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

DGFT ના અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતે ભારતના પ્રીમિયર ફાર્માસ્યુટિકલ હબ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું, જેમાં અમદાવાદ દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ટોચનું પ્રદર્શન કરનાર જિલ્લો બનીને ઉભરી આવ્યો હતો. આ જિલ્લાએ નાણાકીય વર્ષ 26 માં 2.58 અબજની નિકાસ નોંધાવી હતી. નાણાકીય વર્ષ દરમિયાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે યુએસ, યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ફ્રાન્સ ભારતના ટોચના પાંચ નિકાસ સ્થળો હતા. ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસનો લગભગ 50 ટકા હિસ્સો ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં મોકલવામાં આવે છે.  આ દેશોમાં નિયમોનું પાલન, ઉત્પાદન ગુણવત્તા અને દસ્તાવેજીકરણના ધોરણોના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સતત અગ્રણી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ કરતું રાજ્ય રહ્યું છે. રાજ્યમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા મંજૂર કરાયેલા 100થી વધુ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (WHO-GMP) દ્વારા પ્રમાણિત મોટી સંખ્યામાં યુનિટ્સ છે. સસ્તા દરે ગુણવત્તાયુક્ત દવાઓ સપ્લાય કરવાની ગુજરાતની ક્ષમતાએ તેને વૈશ્વિક બજારોમાં અગ્રણી સપ્લાયર બનાવ્યું છે.

રાજ્યની સૌથી વધુ નિકાસ કમાણી કરનારા ક્ષેત્રોમાંના એક એવા ગુજરાતના કેમિકલ્સ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન નિકાસમાં 5-7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, ભૌગોલિક રાજકીય તણાવ, ગેસના ઊંચા ભાવ, યુએસ ડોલરના મૂલ્યમાં વધારો અને મુખ્ય કાચા માલની અછતને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો અને માર્જિન ઘટ્યું હતું.નાણાકીય વર્ષ 26માં કેમિકલ નિકાસમાં ઘટાડો થયો હતો, જેનું મુખ્ય કારણ યુએસ ટેરિફના મુદ્દા હતા. જો કે, ગુજરાત સ્થિત ઉત્પાદકો અને નિકાસકારો તેમના નિકાસ બજારોમાં વિવિધતા લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.