Mon Oct 05 2026

Logo

દિલ્હી પોલીસે LeT કમાન્ડરને બાંગ્લાદેશ સરહદ નજીકથી દબોચ્યો! ખતરનાક કાવતરાનો પર્દાફાશ

2026-03-30 13:06:00
Author: Savan Zalariya
દિલ્હી પોલીસે LeT કમાન્ડરને બાંગ્લાદેશ સરહદ નજીકથી દબોચ્યો! ખતરનાક કાવતરાનો પર્દાફાશ

દિલ્હી પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. સોમવારે એક નિવેદનમાં પોલીસે જણાવ્યું કે લશ્કર-એ-તૈયબા (LeT) ના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે, આ શખ્સ કટ્ટરપંથી યુવકોના એક મોડ્યુલની આગેવાની કરતો હતો. અહેવાલ મુજબ ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ શબીર અહમદ લોન તરીકે થઇ છે.

અહેવાલ મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ (એન્ટી ટેરરીઝ્મ યુનિટ)એ બાંગ્લાદેશ સરહદ નજીકથી શબ્બીરની ધરપકડ કરી હતી, સૂત્રોના જણાવ્યા મુજબ શબ્બીર LeTનો કમાન્ડર છે, તે ઢાકા નજીકથી એક છુપા સ્થળેથી LeTનું એક સેલ ચલાવતો હતો.

દિલ્હીમાં જોવા મળ્યા પોસ્ટર:
નોંધનીય છે કે ગત મહિને દિલ્હીના જનપથ મેટ્રો સ્ટેશનની દિવાલોને પર પાકિસ્તાન તરફી અને આતંકવાદ તરફી લખાણો સાથેના પોસ્ટર જોવા મળ્યા હતાં, ત્યાર બાદ દિલ્હીમાં ઘણાં સ્થળોએ આવા પોસ્ટરો મળી આવ્યા હતા. અહેવાલ મુજબ શબીર અહમદ લોનના જુથે આ કામ કર્યું હતું. 

કાવતરાનો પર્દાફાશ:
દિલ્હી પોલીસના જણાવ્યા કે પોસ્ટરમાં કાશ્મીરના માર્યા ગયેલા આતંકવાદી બુરહાન વાનીના વખાણ કરતું લખાણ લખવામાં આવ્યું હતું, આ સાથે પોસ્ટરોમાં પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. આ કેસ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 

તપાસમાં પોલીસને જાણવા મળ્યું શબીર ભારતમાં કેટલીક આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યો હતો. તેણે દિલ્હી, કોલકાતા અને તમિલનાડુમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે યુવાનોની ભરતી કરવાનું આયોજન કર્યું હતું.

આગાઉ પણ ધરપડ થઇ હતી:
શબીરની અગાઉ 2007 માં દિલ્હી પોલીસે આતંકવાદના આરોપ હેઠળ ધરપકડ કરી હતી. વર્ષ 2019 માં તેને જામીન આપવામાં આવ્યા હતાં, ત્યાર બાદ તે બાંગ્લાદેશ ભાગી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ અને દિલ્હીની ATS સતત તેની તાપસ કરી રહી હતી. હવે પોલીસે તેને પકડી પાડ્યો છે.