Fri Aug 28 2026

Logo

દિલ્હીના નરેલામાં જૂતાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ

2026-04-22 12:08:00
Author: Vimal Prajapati
દિલ્હીના નરેલામાં જૂતાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ

નવી દિલ્હીઃ દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જૂતા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. આગ એટલી ભયાનક હતી કે, જોતજોતામાં આખી ફેક્ટરીને આગની ચપેટમાં લઈ લીધી હતી. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યાં હતાં. ફેક્ટરીમાં આગ લાગી તેના કારણે આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો અને લોકો ગભરાઈ ગયાં હતાં. 

ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી

સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ગાડીઓ અત્યારે આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જો કે, આગ શા કારણે લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ કાબૂમાં આવે તે પછી તેના કારણેની ચોક્કસ વિગત જાણવા મળશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે. 

ફેક્ટરીમાં લાગેલી આગનું કારણ અકબંધ

પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે, આગ શા કારણે લાગી? ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ, ગેસ લિકેજ કે પછી કોઈ બીજા કારણે આગ લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, રાહતની વાત એ છે કે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી. પરંતુ લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. જેના કારણે ફેક્ટરીના માલિક ભારે ચિંતત હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.