વડોદરાઃ દેશના સૌથી મોટા અને મહત્ત્વના પ્રોજેક્ટ પૈકી એક એવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેમાં હવે ગોધરાથી વડોદરા સુધીનો એક્સપ્રેસ વે કટ શરૂ થઈ ચૂક્યો છે. આ કટને ટ્રાયલ બેઝિસ પર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કટ શરૂ થતા ન માત્ર ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં દિલ્હીથી મુંબઈ બાય રોડ જવામાં પણ સરળતા રહેશે. દિલ્હી-હરિયાણા બોર્ડર નજીક આવેલા મીઠાપુર ગામ પાસેથી આ એક્સપ્રેસ વે ફંટાય જાય છે અને અલીપુર પાસે ક્નેકટ થાય છે. જે હરિયાણા બોર્ડર થઈને રાજસ્થાનમાં પ્રવેશે છે, જે મહાનગર જયપુરને જોડે છે.
ટ્રાયલ માટે ખોલી દેવાયો એક્સપ્રેસ-વે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ગોધરા-વડોદરા સેક્શન 13 એપ્રિલ 2026ના રોજ ટ્રાયલ બેઝિસ પર વાહનો માટે ખોલી દેવામાં આવ્યો છે. આ કટ સફળ પરિક્ષણ બાદ ટૂંક જ સમયમાં સત્તાવાર રીતે વાહનોની અવરજવર માટે ખોલી દેવામાં આવશે. એક્સપ્રેસ વેનું આ સેક્શન ગુજરાતના પંચમહાલ જિલ્લાના ભમૈય્યા ગામથી વડોદરાના ડોડકા સુધી ક્નેક્ટિવિટી ધરાવે છે. 8 લેનનો એક્સપ્રેસ વે વડોદરા શહેરના આઉટર રોડને જોડે છે. દિલ્હીમાં આ એક્સપ્રેસ વે DND ફ્લાય ઓવર પાસેથી પસાર થાય છે. સાઉથ દિલ્હીના મહારાણી બાગથી રિંગરોડ બાજુ જતા આ એક્સપ્રેસ વે ક્નેક્ટ થાય છે.

દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે
ભારતનો સૌથી મોટો અને આધુનિક એક્સપ્રેસ વે છે. 1386 કિમી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયા બાદ માત્ર 12 કલાકમાં જ દિલ્હીથી મુંબઈ કે મુંબઈથી દિલ્હી સુધી પહોંચી શકાશે. હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત કુલ 6 રાજ્યમાંથી પસાર થાય છે. માત્ર દિલ્હી-મુંબઈ જ નહીં અન્ય પણ ઘણા મહાનગરને આ રસ્તો જોડે છે. એક્સપ્રેસ વે તૈયાર થઈ જતા માત્ર દિલ્હી-મુંબઈ જ નહીં આ રૂટ પરના અન્ય મહાનગર સાથે પણ ક્નેક્ટ થવું સરળ બની જશે.
90 થી વધારે મુખ્ય પોઈન્ટ
જયપુર, કોટા, ઉદયપુર, ઈન્દૌર, ભોપાલ, સુરત, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરને આ એક્સપ્રેસ વે જોડશે. ડાયરેક્ટ અથવા ફીડર નેટવર્કની મદદથી આ રસ્તા સાથે ક્નેક્ટ થઈ શકાશે. આનાથી ન માત્ર યાત્રા સરળ થશે પણ વ્યાપાર ઉદ્યોગ માટે જરૂરી સામાનની હેરફેર પણ સરળ બની જશે. ખાસ વાત એ છે કે, આ એક્સપ્રેસ વે પર ચોક્કસ જગ્યાએથી જ એન્ટ્રી લઈ શકાશે અને એક્ઝિટ પણ એ જ રીતે થશે. ઈન્ટરચેન્જની મદદથી જ આના પર ચઢી કે હાઈવેમાંથી એક્ઝિટ લઈ શકાશે. સમગ્ર એક્સપ્રેસ વે પર 90થી વધારે પોઈન્ટ એવા છે જેને ક્નેક્ટિંગ પોઈન્ટ તરીકે રાખવામાં આવ્યા છે.
સતત 12 કિમીનો એન્ટ્રીલેન
DND ફ્લાયઓવર દિલ્હી, ફરીદાબાદ, સોહના, દૌસા, લાલસોટ, કોટા, મંદસૌર, રતલામ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વલસાડ, પાલઘર અને નવી મુંબઈ એવા મુખ્ય પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને અલગ અલગ તબક્કામાં તૈયાર કરવામાં આવ્યો છે. દિલ્હીથી દૌસા (રાજસ્થાન), ગોધરાથી વડોદરા ગ્રામ્ય (ગુજરાત),મંદસૌરથી ઝાંબુઆ (મધ્ય પ્રદેશ) જેવા નાના સેન્ટરને જોડવા પણ આ પ્રોજેક્ટથી શક્ય બની રહ્યા છે. દિલ્હીમાં સતત 12 કિમીનો રસ્તો ક્નેક્ટિવિટી લેન તરીકે છે, આ રૂટ પર જ ક્લોઝ ટોલિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે. મધ્ય પ્રદેશના કટ પાસેનું કામ અંતિમ તબક્કામાં છે, જ્યારે મુંબઈ પાસે વિરાર નજીક ભૌગોલિક પરિસ્થિતિને કારણે રસ્તાનું કામ હજું થોડું ચાલી રહ્યું છે.