માલવીયાનગર હોટેલ અગ્નિકાંડમાં 21 લોકોના મોત, પોલીસ દ્વારા માલિકને પકડવા સર્ચ ઓપરેશન શરૂ
નવી દિલ્હીઃ દિલ્હીના માલવીયાનગરમાં થયેલા અગ્નિકાંડમાં 21 લોકો જીવતા ભૂંજાયા છે. આ સમગ્ર ઘટનાને લઈને હોટેલના માલિક લવકેજ બજાજનો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ લાગ્યાની સૂચના મળ્યા બાદ 15 મિનિટ બાદ જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે 40થી 45 મિનિટ સુધી તે ત્યાં જ રોકાયો હતો. સાક્ષીઓ સાથેની વાતચીતમાંથી એ વાત સામે આવી છે કે હોટેલનો માલિક 45 મિનિટ સુધી મોતનું તાંડવ જોઈ રહ્યો હતો. મોતનો આંકડો 21 સુધી પહોંચ્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સર્ચ ઑપરેશન શરૂ
હવે પોલીસ આ ઘટનાને લઈને માલિકને શોધવા માટે જુદા-જુદા સ્થળ પર દરોડા પાડીને સર્ચ ઑપરેશન ચલાવી રહી છે. પોલીસના પ્રયાસ છતાં હોટેલનો માલિક હજુ પોલીસની પકડમાં આવ્યો નથી. આ માહોલ વચ્ચે હોટેલના માલિકની એક તસવીર સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હોટેલના માલિકનું નામ લવકેશ બજાજ છે. સવારે 8.52 વાગ્યે જ એમને મેસેજ મળી ગયો હતો કે, હોટેલમાં આગ લાગી છે.
આ સૂચના મળ્યા બાદ તે પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.એ સમયે હોટેલમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાનું કામ ચાલું હતું. ફાયર વિભાગની ટીમ પાણીનો મારો ચલાવીને આગ ઠારી રહી હતી. આ અગ્નિકાંડમાં જ્યારે પણ મોતનો આંકડો સામે આવ્યો એ સમય તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. દિલ્હી પોલીસની અન્ય ટીમ પણ હવે બજાજની તપાસ કરી રહી છે. સર્ચ ઑપરેશન શરૂ કરી દેવાયું છે.
દિલ્હીના બીજા વિસ્તારોમાં પણ હોટેલ
દિલ્હી પોલીસની ટીમ જ્યારે એના ઘરે પહોંચી એ સમયે એના પરિવારજનો પણ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આ અંગે પાડોશીએએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના ખૂબ જ દુઃખદ છે જો નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કર્યું હોત તો કદાચ આ ઘટનાને ટાળી શકાય એમ હોત. પાડોશીએ જણાવ્યું હતું કે બજાજ એક વેપારી છે અને બજાજ સાથે ખાસ કોઈ પ્રકારે વાતચીત થતી નહોતી.
માત્ર દક્ષિણ દિલ્હીમાં જ નહીં પણ રાજધાનીના અનેક એવા વિસ્તારમાં એમની આવી હોટેલ, ગેસ્ટ હાઉસ અને નાના એવા સ્ટેહોમ્સ ધમધમે છે, જ્યાં સુરક્ષાના નામે અનેકવાર સવાલ ઊભા થયા છે. હોટેલમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે, કલાકો સુધી રાહત કાર્ય ચાલ્યું અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર હેતુ ખસેડવામાં આવ્યા. 11 વાગ્યા સુધી હોટેલમાંથી મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 40 લોકોને સુરક્ષિત હોટેલમાંથી બાહર કાઢવામાં આવ્યા હતા.
સંબંધીઓ પણ હવે રડારમાં
પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરીને માલિકને શોધવા માટે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું છે. ખાસ કરીને એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સર્ચ અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. માલિકના સંબંધીઓને પણ હવે રડારમાં લેવામાં આવી રહ્યા છે. એમની પૂછપરછ પણ થઈ શકે છે.
બીજી તરફ આ ઘટનાથી હોટેલ અને હોમ સ્ટેમાં ફરી એકવાર ફાયર સેફ્ટીનો મુદ્દો ગંભીર બન્યો છે. તંત્ર હવે આ હોટેલમાં ફાયર સેફ્ટી હતી કે નહીં એ અંગે પણ તપાસ કરી રહી છે, આ ઘટનામાં કેટલાક વિદેશી નાગરિકો પણ હોવાનું જાણવા મળ્યું છે, એમાં પણ જે ઈજાગ્રસ્ત છે એમની સારવાર ચાલુ છે.