નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. પોલીસે હોટલના માલિક લવકેશ બજાજની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી. જેની બાદ કોર્ટમાં રજૂ કરતા સાકેત કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડી આપી છે. જેમાં પોલીસ લવકેશ બજાજની આગની ઘટના અંગે ઉલટ તપાસ કરશે.
લવકેશ બજાજ દુર્ઘટના સ્થળેની ભાગી ગયો હતો
આ દુર્ઘટના બાદ પોલીસે હોટલ માલિકની ઓળખ કરીને તેની ધરપકડ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે લવકેશ બજાજ દુર્ઘટના સ્થળેની ભાગી ગયો હતો. તેમજ તેના નિવાસે પણ નહોતો પહોંચ્યો. તેમજ રોડ પર આંટા મારતો હતો.
અત્યંત જર્જરિત હાલતમાં બિલ્ડિંગ ખરીદી હતી
આ ઉપરાંત લવકેશ બજાજે પોલીસને જણાવ્યું હતું કે, તેણે આ બિલ્ડિંગ ત્રણ વર્ષ પૂર્વે આહલુવાલિયા નામના શખ્સ પાસેથી ખરીદી હતી. જેમાં તે હોટલ કમ ગેસ્ટ હાઉસ ચલાવતો હતો. આ અગાઉ અહિયાં ખાદીની દુકાન હતી. તેમજ જ્યારે આ બિલ્ડિંગ ખરીદવામાં આવી ત્યારે તે અત્યંત જર્જરિત હાલતમાં હતી.
ટૂરિસ્ટ રેસ્ટોરન્ટની પરવાનગી લીધી હતી
જ્યારે લવકેશ બજાજે દાવો કર્યો હતો કે, તેણે BNB એટલે કે બેડ એન્ડ બ્રેકફાસ્ટ, ટૂરિસ્ટ, રેસ્ટોરન્ટની પરવાનગી લીધી હતી. પરંતુ દિલ્હી પોલીસ તેના દાવાની તપાસ કરી રહી છે. લવકેશ બજાજને આજે બપોરે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી હતી. જે ઇસ્પાર સાકેત કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટે લવકેશ બજાજને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.