Wed Jun 17 2026

Logo

મુંદ્રા પોર્ટ પરથી દિલ્હી ATSની તવાઈ: ₹૮ કરોડથી વધુની કિંમતના નશાકારક ટેબ્લેટ્સના જથ્થા સાથે આતંકી કનેક્શનની આશંકા

2026-02-18 11:56:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના અદાણી મુંદ્રા બંદરે ત્રાટકેલી દિલ્હી સ્થિત ત્રાસવાદ વિરોધી દળની એક ટુકડીએ મિસ ડિકલેરેશનના મામલામાં રી-કોલ કરવામાં આવેલાં કન્ટેનરોમાં રહેલાં ૩૨ જેટલા કાર્ટૂનમાં ૫.૧૫ ટનનો ૧૭ લાખથી વધારે નંગ ટ્રામાડોલ (અફીણમાંથી બનતી ગોળી),એલપ્રાઝોલમ, ઝોલપિડેમ, નાઈટ્રોજેપ જેવી પ્રતિબંધિત ડ્રગ્સ મિશ્રિત ગોળીઓનો અંદાજિત ૮ કરોડના મૂલ્યનો જથ્થો જપ્ત કરતાં ચકચાર પ્રસરી જવા પામી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંદ્રા  અદાણી બંદર પર પૂર્વ બાતમીના આધારે પહોંચેલી ત્રાસવાદ વિરોધી દળની  ટુકડીએ એક શંકાસ્પદ કન્ટેનરની સી-બર્ડ સીએફએસમાં લઈ જઈ તપાસ કરતાં આગળના ભાગે કિચન વેર આઇટમની આડમાં પાછળના ભાગે યુક્તિપૂર્વક છુપાવેલો પ્રતિબંધિત ડ્રગ્સ મિશ્રિત દવાનો જથ્થો મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે  જે કન્ટેનરમાં ડ્રગ્સ મિશ્રિત દવાનો જથ્થો ઝડપાયો છે, તેના નિકાસકાર મુદગલ એક્સપોર્ટ દ્વારા વર્લ્ડ ટ્રેડ લોજિસ્ટિક નામના કસ્ટમ બ્રોકરે એક શાપિંગ દ્વારા ગત ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૫ના કિચન વેરના નામે તેને મુંદ્રા બંદર ખાતેના  સૌરાષ્ટ્ર સીએફએસમાં લાવવાના બદલે કન્ટેનર મારફતે ગુજરાતના અન્ય   ગોડાઉનમાં લઈ આવી, મુંદરા કસ્ટમના સૌરાષ્ટ્ર સીએફએસના જે-તે અધિકારી દ્વારા પાસ કરાઈને નિકાસ કરી દીધો હતો. પણ, આ જથ્થો પોતાના નિયત સ્થળે પહોંચે તે પહેલાં દિલ્હી એટીએસને ઇનપુટ મળતાં મુંદરા કસ્ટમને સૂચના આપીને આ કન્ટેનર પરત બોલાવ્યું હતું.  દિલ્હીના નિકાસકારની હાજરીમાં તેને  ખોલતાં અંદરથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપ્યો હતો. 

કિચનવેર આઇટમના નામે ૧૪,૨૦૦ ટન વજન દર્શાવ્યું હતું. જેમાંથી ૫.૧૫ ટન ડ્રગ્સ મિશ્રિત ગોળીઓ હતી.  આ પ્રતિબંધિત દવાની નિકાસ કરવા સરકાર અને નાર્કોટિક્સ વિભાગની  મંજૂરીઓ મેળવી જરૂરી છે.  ઝડપાયેલી દવાઓના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે અને તપાસ પૂર્ણ થયે કોઈ અધિકારીની સંડોવણી જણાશે તો તેને સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરાશે તેમજ આ કેસમાં સંડોવાયેલા વિષ્ણુ શર્મા અને જાવેદખાન નામના શખ્સની દિલ્હી એટીએસ દ્વારા ધરપકડ કરીને તેમને મુંદ્રા લાવવામાં આવ્યા હોવાનું એક કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું.  

આ અગાઉ ભૂતકાળમાં મુંદ્રા  બંદરેથી આફ્રિકન દેશોમાં નિકાસ અર્થે જઈ રહેલાં બે શંકાસ્પદ કન્ટેઈનરોમાંથી ૧૧૦ કરોડથી વધુના મૂલ્યનો ટ્રામાડોલ ગોળીઓનો જથ્થો ઝડપાયો હતો.  ઉલ્લેખનીય છે કે, ટ્રામાડોલની દવા લેવાથી કલાકો સુધી ઊંઘ આવતી નથી તેથી મધ્ય પૂર્વના આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા આતંકીઓ આ 'ફાઇટર ડ્રગ્સ'નો વ્યાપક ઉપયોગ કરે છે.  આફ્રિકાના નાઈજીરીયા, ઘાના વગેરે જેવા દેશોમાં સિન્થેટીક (રસાયણોના સંયોજનોથી બનાવેલી કૃત્રિમ દવા) ટ્રામાડોલની ખૂબ ઊંચી માંગ છે.

(ઉત્સવ વૈદ્ય)