(અમારા પ્રતિનિધિ તરફથી)
ડીસાઃ ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં દૂધની ચોરી થતી હોવાની ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ગામાં આવેલી શ્રી ગેનાજી ગોળીયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાંથી રોજનું 40 લિટર દૂધ ચોરાઈ જતું હતું. અહીં ખેડૂતો રોજનું હજારો લિટર દૂધ ભરાવે છે. કામની વાત કરવામાં આવે તો દૂધ મંડળીમાં કામ કરતો ટેસ્ટર દૂધના સેમ્પલ લઈને દૂધ ભરતો હોય છે. આ દરમિયાન ખેડૂતોને દૂધની ઘટ અંગે આશંકા ગઈ એટલે ખેડૂતોએ મંત્રીને જાણ કરી હતી.
ડેરીના મંત્રીએ સીસીટીવી ચેક કર્યા તો થયો પર્દાફાશ
મંત્રી ઇશ્વરજી છોગાજી ગેલોત અને ચેરમેન શંકરજી દલાજી ગેલોતને જાણ થઈ ત્યારે તેમણે ડેરીના સીસીટીવીની તપાસ કરી હતી. સીસીટીવી કેમેરાના ફુટેજ જોવામાં આવ્યાં ત્યારે સંજયકુમાર ગેલોત દૂધની ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું હતુ. ટેસ્ટર સંજયકુમાર ગેલોત સવાર અને સાંજ એમ બંને ટાઈમમાં કુલ મળીને 40 લિટરથી પણ વધારે દૂધની ચોરી કરતો હતો. જેથી તેના સામે હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ટેસ્ટર સંજયકુમાર ગેલોત ડેરીમાંથી દૂધની ચોરી કરતો હતો
આ મામલે જ્યારે દૂધ મંડળીના અધિકારી ભરતભાઇ પટેલને જાણ કરવામાં આવી ત્યારે તેઓ ગેનાજી ગોળીયા ગામમાં પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ટેસ્ટર સંજયકુમાર ગેલોત સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે, આ પહેલા પણ ગેનાજી ગોળીયામાં આવેલી ડેરીમાં રૂપિયા 62 લાખથી વધારે રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું. પહેલા કૌભાંડ અને હવે દૂધની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ચર્ચાઓ શરૂ થઈ છે.