ભુજઃ દેશના અગ્રણી મહાબંદરોમાં પ્રથમ સ્થાને રહેલા કચ્છના દીનદયાલ પોર્ટ (કંડલા) દ્વારા વર્તમાન નાણાકીય વર્ષમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. પોર્ટે ગત ૨૨ ઓગસ્ટના રોજ ૭૦.૦૩ મિલિયન મેટ્રિક ટન (એમએમટી) કાર્ગો હેન્ડલિંગનો આંકડો સફળતાપૂર્વક પાર કરી લીધો છે.

દેશના તમામ અગ્રણી પોર્ટ્સમાં ૭૦ એમએમટીની ઝડપી વૃદ્ધિ નોંધાવનાર દીનદયાલ પોર્ટ દેશનું પ્રથમ બંદર બન્યું છે. ગત વર્ષની સરખામણીએ આ લક્ષ્યાંક ૩૨ દિવસ વહેલો સિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં ૨૩.૦૨ ટકાનો નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો છે. આ અગાઉ ૫૦ એમએમટી કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ પણ સૌથી ઝડપી આ જ પોર્ટે સ્થાપિત કર્યો હતો. આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ કેન્દ્રીય શિપિંગ મંત્રીએ પોર્ટ પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત નાણાકીય વર્ષ દરમિયાન કંડલા પોર્ટે ૧૬૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને દેશભરમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. હવે પોર્ટ તંત્ર દ્વારા ચાલુ વર્ષે ૧૭૦ મિલિયન મેટ્રિક ટનના મહાકાય લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)