૨,૮૪૩ કિલોમીટર લાંબા નેટવર્કથી માલ પરિવહનને મળશે નવી ગતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતના મહત્વાકાંક્ષી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટે આજે મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના કુલ 326 કિમી લાંબા ત્રણ મહત્વપૂર્ણ વિભાગોનું રાષ્ટ્રને સમર્પણ કર્યું છે. આ ત્રણ વિભાગના નિર્માણ પાછળ રૂ. 20,700 કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ સાથે દેશનું કુલ 2,843 કિમીનું ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર નેટવર્ક હવે સંપૂર્ણપણે કાર્યરત બન્યું છે.
આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ ન્યૂ સાણંદ (ઉત્તર)-ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-ન્યૂ જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલ (જેએનપીટી) વિભાગોનું લોકાર્પણ કર્યું હતું. આ વિભાગો પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના અંતિમ બાકી રહેલા મહત્વપૂર્ણ હિસ્સાઓમાં સામેલ હતા.
2,843 કિમીનું વિશાળ નેટવર્ક
દેશમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના બે મુખ્ય માર્ગ છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ઉત્તર પ્રદેશના દાદરીથી મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલ સુધી 1,506 કિમી લાંબો છે. જ્યારે ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પંજાબના લુધિયાણાથી બિહારના સોનનગર સુધી 1,337 કિમીનો છે. બંનેને મળીને કુલ લંબાઈ 2,843 કિમી થાય છે.
આ કોરિડોરનો મુખ્ય હેતુ માલગાડીઓ માટે અલગ અને આધુનિક રેલવે માર્ગ ઉપલબ્ધ કરાવવાનો છે. તેના કારણે પરંપરાગત રેલવે લાઇનો પર માલગાડીઓનો ભાર ઘટશે અને પેસેન્જર ટ્રેનો માટે પણ વધુ ક્ષમતા ઉપલબ્ધ થશે.
રોજ દોડાવાય છે 443 માલગાડી
હાલ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર દરરોજ આશરે 443 માલગાડીઓ દોડી રહી છે. અત્યાર સુધી કાર્યરત રહેલા કોરિડોરના વિવિધ વિભાગો પર આશરે 5.2 લાખ માલગાડી ટ્રિપ્સ નોંધાઈ ચૂકી છે. આ નેટવર્કે આશરે 658 અબજ ગ્રોસ ટન-કિમી અને 360 અબજ નેટ ટન-કિમીનું પરિવહન નોંધાવ્યું છે.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર લાંબી માલગાડીઓ અને ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનો ચલાવવાની સુવિધા છે. તેના કારણે એક જ ટ્રેનમાં વધુ માલનું પરિવહન શક્ય બન્યું છે અને માલ પહોંચાડવાનો સમય પણ ઘટ્યો છે.
જેએનપીટી સાથે સીધી જોડાણથી ફાયદો
ન્યૂ સફાળે-ન્યૂ જેએનપીટી વિભાગનું વ્યૂહાત્મક મહત્વ ખાસ છે. જવાહરલાલ નહેરુ પોર્ટ સાથે સીધું રેલવે જોડાણ મળવાથી આયાત-નિકાસના માલની અવરજવર વધુ ઝડપી બનશે. દેશના ઔદ્યોગિક કેન્દ્રો અને પશ્ચિમ કિનારાના બંદરો વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ જોડાણથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં તેમ જ મુંબઈના વ્યસ્ત રેલવે નેટવર્ક પરથી માલગાડીઓનો ભાર ઓછો કરવામાં પણ મદદ મળશે.
ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દેશના માલવાહક પરિવહન માટે મહત્વપૂર્ણ આધારભૂત માળખું બની રહ્યું છે. ઝડપી માલ પરિવહનના કારણે ઉત્પાદન કેન્દ્રો, બજારો અને બંદરો વચ્ચેની સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બનવાની અપેક્ષા છે.
વિશેષ ટ્રેક પર માલગાડીઓ દોડવાથી માલવાહક પરિવહનની ઝડપ અને વિશ્વસનીયતા વધશે. સાથે જ ઇલેક્ટ્રિફાઇડ કોરિડોર હોવાથી લાંબા ગાળે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
બે દાયકાની મહેનત બાદ પ્રોજેક્ટ પૂર્ણ
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી મળ્યાના લગભગ બે દાયકા બાદ તેનું સમગ્ર નેટવર્ક હવે કાર્યરત થયું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ દેશના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ નેટવર્ક શરૂ થતાં દેશના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો વચ્ચે માલ પરિવહન વધુ ઝડપી અને સરળ બનશે. આ સાથે ભારત પાસે હવે 2,843 કિમીનું સંપૂર્ણ કાર્યરત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર નેટવર્ક બનીને તૈયાર છે, જે દેશની માલવાહક રેલવે વ્યવસ્થાને નવી ગતિ આપશે.