નવી દિલ્હીઃ ડોન દાઉદ ઈબ્રાહિમનો સૌથી નજીકનો વ્યક્તિ સલીમ ડોલાની તુર્કીથી ધરપકડ કરવામાં આવી છે. આ પછી પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂરી કરીને એમને ભારત લવાશે. મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતો સલીમ ડોલા ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પર હતો. ભારતના ઘણા નાર્કોટિક્સ કેસમાં તે વોન્ટેડ આરોપી હતો.છેલ્લા કેટલાક સમયથી તે ફરાર હતો. ઘણા વર્ષો સુધી ભારતની સુરક્ષા એજન્સીઓ ડોલાને પકડવા માટે કમર કસી રહી હતી.
દોઢ વર્ષ સુધી રહ્યો એક રૂમમાં
આ મિશનમાં જોડાયેલા અધિકારીઓનું એવું કહેવું છે કે,સલીમ ડોલાને શોધવો એ ઘાસમાંથી સોઈ શોધવા જેવું કપરૂ હતું. પણ ડોલાની એક ભૂલથી તે પકડાયો અને જેલના સળીયાની પાછળ છે. સલીમ ડોલા ભારતીય સુરક્ષા એજન્સીના ડરથી ઈસ્તાંબુલ ભાગી ગયો હતો. આ પછી તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.
પછી દોઢ વર્ષ સુધી તે પોતાના રૂમની બાહર નીકળ્યો ન હતો. પણ આ દરમિયાન તેમણે કરેલી માત્ર એક ભૂલથી ખેલ પડી ગયો અને પકડાઈ ગયો. એ સમયે ડોલાને પણ અંદજો નહીં હોય કે, એની ભૂલ શું હતી? આ ભૂલને કારણે તે પકડાઈ જશે એવો એને પણ અંદાજો નહીં હોય.એક ભૂલે એની ધરપકડ કરાવી દીધી.

એક ભૂલે ધરપકડ કરાવી
હકીકત એવી હતી કે, ડોલાએ એક કુરિયર ઓર્ડર કર્યું હતું. જેમાં સરનામું તેણે પોતના એ ઠેકાણાનું નાખી દીધુ જ્યાં એ છૂપાયો હતો. આ લેવડ-દેવળના માધ્યમથી ભારતીય એજન્સીઓ, ઈન્ટરપોલની મદદથી ડોલાના સ્થાન સુધી પહોંચવામાં સફળ થઈ. આ પછી ભારતીય અધિકારીઓએ ઈસ્તાંબુલ પોલીસને એલર્ટ કરી હતી, પછી એમના ઘર પર દરોડા પડ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગત મંગળવારે એમને તુર્કીથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. સલીમ ડોલાના ઘરની તપાસ દરમિયાન બે ભારતીય પાસપોર્ટ મળી આવ્યા છે. એક બલ્ગેરિયાઈ પાસપોર્ટ મળ્યો હતો. બલ્ગેરિયાઈ પાસપોર્ટમાં તેણે પોતાનું નામ હમઝા રાખ્યું હતું. આ નામથી તે તુર્કીમાં રહેતો હતો.હવે બલ્ગેરિયાનો પાસપોર્ટ અસલી છે કે નકલી એની તપાસ ચાલી રહી છે.
કોર્ટે સજા ફટકારી
ગુરૂવારે મુંબઈ કોર્ટે 8 મે સુધી એને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં મોકલી દીધો છે.તપાસ કરી રહેલી એજન્સીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, ડોલાનું નામ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરીમાં સામેલ છે. જેનો સંબંધ દાઉદ ઈબ્રાહિમ સાથે છે. વર્ષ 2023ના જુન મહિનામાં દક્ષિણ મુંબઈથી જપ્ત કરવામાં આવેલા મેફેડ્રોન્સની મુખ્ય સપ્લાયમાં તેનો મોટો હાથ હોવાનું સામે આવ્યું છે. આ કેસ સામે આવતા ફરી ભારતમાંથી નાસી ગયેલા કુખ્યાત ગૅંગસ્ટરના પ્રત્યાર્પણનો મુદ્દો ચર્ચામાં છે.