Wed Jul 29 2026

Logo

ડાર્ક ટૂરિઝમ: પ્રવાસીઓને આવાં સ્થળ પણ આકર્ષે છે!

2026-07-29 09:14:00
Author: Ravi Nayak
Article Image

ડાર્ક ટૂરિઝમ એટલે એવાં સ્થળોની મુલાકાત કે જે મૃત્યુ, વેદના, અપરાધ અથવા વિનાશ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલાં હોય.

સાત સમંદર પાર - રવિ નાયક

સાન ફ્રાન્સિસ્કોની આલ્કાટ્રાઝ જેલ, હત્યારો ચાર્લ્સ મેન્સન, અભિનેત્રી શેરોન ટેટ

માણસનું મન બહુ જટિલ છે. દુ:ખ વેઠવું કોઈને નથી ગમતું, પણ એક વખત દુ:ખના દહાડા પૂરા થયા બાદ વીતેલા સમયની દુ:ખદ ક્યારેક તો અતિશય ક્રૂર સ્મૃતિઓને વાગોળતા રહેવાનું બધાને ગમે છે. એમાંય જો દુ:ખ કોઈ બીજા વ્યક્તિનું કે કોઈ બીજી પ્રજાનું હોય તો આપણે એ દુ:ખના અવશેષો સાથે સેલ્ફી લેવાનું ય ચૂકતા નથી! કદાચ આ જ કારણોસર જગતમાં ડાર્ક ટૂરિઝમનો ક્ધસેપ્ટ વિકસી રહ્યો છે. ખાસ કરીને કોરોના પછી ડાર્ક ટૂરિઝમને પસંદ કરનારા લોકોનું પ્રમાણ વધી રહ્યું છે.

આ શબ્દ 1996માં માલ્કમ ફોલી અને જે. લેન્નોન નામના વિદ્વાન દ્વારા રજૂ કરવામાં આવ્યો. ડાર્ક ટૂરિઝમ એ માત્ર વિકૃત પ્રકારની જિજ્ઞાસા જ નથી, બલકે ઘણી વખત ઇતિહાસને વધુ સારી રીતે સમજવામાં ઉપયોગી સાબિત થતી બાબત છે. કેટલીક વાર વળી સાવ અજાણ્યા લોકોની માનવીય વેદનાઓને અનુભવ્યા બાદ ‘આવું ફરી ન થવું જોઈએ’ એવી શીખ લઈને લોકો ઘરે જાય છે. એ દૃષ્ટિએ ડાર્ક ટૂરિઝમનું અલગ પ્રકારનું મહત્ત્વ ય ખરું.

એક જાણીતું ઉદાહરણ લઈએ, જેમકે આંદામાન-નિકોબારની સેલ્યુલર જેલ. બ્રિટિશ સરકાર દ્વારા નિર્માણ પામેલી આ જેલ આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરમાં આવેલી છે. અહીં ભારતના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓને અમાનવીય અત્યાચાર સહન કરવા માટે મોકલવામાં આવતા.‘કાળા પાણી’ની સજા તરીકે ઓળખાતો અહીંનો જેલવાસ અત્યંત ક્રૂર અને અમાનવીય કક્ષાનો ગણાતો. આજે આ સ્થળ ટૂરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે.

સાન ફ્રાન્સિસ્કોની આલ્કાટ્રાઝ જેલની કથા ય એવી જ છે. એક સમયે અહીં કુખ્યાત ગેન્ગસ્ટર અલ કપોન સહિતના ખૂનખાર કેદીઓને લાવવામાં આવતા. કેદીઓ માટે અહીં બહુ સખ્ત નિયમો હતા. સમયાંતરે આ જેલ બંધ કરવામાં આવી અને આજે તે ટૂરિસ્ટ સ્પોટ તરીકે પ્રખ્યાત છે. નેલ્સન મંડેલાને જ્યાં રાખવામાં આવેલા એ રોબેન આઈલેન્ડની જેલ ખાસ રંગભેદ સામે લડનારા કેદીઓ માટે વપરાતી. જેમણે મંડેલાની આત્મકથા વાંચી હશે એમને બરાબર ખ્યાલ હશે કે રોબેન આઈલેન્ડની જેલમાં રહેવું એટલે શું! આજે તો આ જેલ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ભોગવે છે અને પ્રવાસી ફેરીમાં બેસીને અહીંનું મ્યુઝિયમ તેમજ બીજા સ્થળો જોવા આવે છે.

ભૂતકાળની ક્રૂર જેલના પ્રવાસે આવેલ લોકો ઇતિહાસને જાણે-સમજે એમાં કશું ખોટું નથી, પણ તકલીફ એ છે કે ડાર્ક ટુરિઝમના નામે પરમાણુ અકસ્માતનો ભોગ બનેલ ચર્નોબિલ જેવા સ્થળોએ જઈને ‘સેલ્ફી’ ખેંચનારો વર્ગ પણ છે.

ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી બનેલાં સ્થળોએ ગયેલા પ્રવાસીઓ ઘણી વખત સાવ ખોટા પાત્રોને ય રોલ મોડેલ માનીને વર્તે છે.

અભિષેક બચ્ચન અને રાણી મુખર્જીની એક ફિલ્મ આવેલી ‘બન્ટી ઔર બબલી’ એમાં એકબીજાને સંગાથે ચોરી જેવા ગુનાઓ કરતા યુગલની વાત હતી. અમેરિકાના બોની અને ક્લાઇડને આધુનિક બન્ટી-બબલીના પૂર્વજ ગણી શકાય.

આ યુગલે 1930ના દાયકામાં અમેરિકન પોલીસ વિભાગને ચકરાવે ચઢાવેલો. બોની પાર્કર નામની યુવતી કોઈક રીતે ક્લાઈડ બેરો નામના ગુનેગારના સંપર્કમાં આવી અને પછી તો આ બંનેએ સ્ટોર લૂંટવાથી માંડીને લોકોની હત્યા કરવા સુધીના અનેક ગુનાઓ આચર્યા. કહેવાય છે કે બોની અને ક્લાઈડે આશરે તેર જેટલી હત્યાઓ કરી, જે પૈકીના નવ તો પોલીસમેન હતા! આખરે એક દિવસ પોતાની કારમાં પસાર થઇ રહેલા આ યુગલને પોલીસે ઘેરી લીધું અને એમનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું. આજે હવે એન્કાઉન્ટરનું એ સ્થળ અને ગોળીઓના સંખ્યાબંધ છિદ્રો ધરાવતી પેલી કાર ટૂરિસ્ટ્સ માટે આકર્ષણનો વિષય બની ચૂક્યા છે.

હોલીવૂડની અત્યંત સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી શેરોન ટેટ એનું નામ અમેરિકાની ક્રાઈમ હિસ્ટ્રીના સૌથી કુખ્યાત અને ક્રૂર કેસ સાથે સંકળાઈ ગયું છે. આમ તો એને પોતાને ગુનાખોરી સાથે કશું લાગતુંવળગતું નહોતું, પણ ચાર્લ્સ મેન્સન નામનો એક સનકી માણસ એને નડી ગયો. આ ચાર્લ્સ બહુ વિચિત્ર ખોપરીનો માણસ હતો. એણે પોતાનો એક સંપ્રદાય બનાવેલો. એ માનતો કે અમેરિકામાં બહુ મોટા પાયે વર્ગ વિગ્રહો થશે અને આ વિગ્રહો બાદ એનો સંપ્રદાય સૌથી શક્તિશાળી જૂથ બનીને ઊભરી આવશે. આવી માન્યતાને કારણે ચાર્લ્સ અને એના અનુયાયીઓ બને એટલી ઝડપથી દેશમાં વિગ્રહો કરાવવા માંગતા હતા. એ માટે એ લોકો જાણીતી વ્યક્તિઓ - સેલિબ્રિટીઝની શ્રેણીબદ્ધ હત્યાઓ કરવાનો પ્લાન અમલમાં મૂક્યો, જેનો ભોગ બની ગઈ ફિલ્મ અભિનેત્રી શેરોન ટેટ..

મેન્સન ગ્રૂપના અનુયાયીઓએ શેરોનના ઘર પર હુમલો કર્યો અને અભિનેત્રી સહિત પાંચ વ્યક્તિને અત્યંત ક્રૂર રીતે મારી નાખ્યા એ હિચકારી ઘટનાએ અમેરિકન પ્રજા પર બહુ ઊંડી અસર છોડી. લોકો રીતસર હતપ્રભ થઇ ગયેલા. પછી સમય જતા આ ઘટનાક્રમ ઉપરથી અનેક ફિલ્મો બની, પુસ્તકો લખાયા.

આજે પરિસ્થિતિ એ છે કે જ્યાં આ હિચકારો હત્યાકાંડ થયેલો, એ ઘર આસપાસનો વિસ્તાર ટૂરિસ્ટ સ્પોટ બની ચૂક્યો છે. ઘર તો ઠેઠ 1994માં જ તોડી પાડવામાં આવેલું. છતાં લોકો આજે ય કુતૂહલના માર્યા અહીં આવતા રહે છે અને આસપાસ વસતા લોકો પરેશાન થતા રહે છે.