Sat May 02 2026

Logo

એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન ડીએપી, યુરિયાની આયાતમાં 63 ટકાનો ઉછાળો...

2026-03-21 19:13:55
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન જમીન માટેના મુખ્ય બે પોષક તત્વો ડીએપી (ડાય એમોનિયમ ફોસ્ફેટ) અને યુરિયા ખાતરની આયાતમાં 63 ટકા વૃદ્ધિ થઈ છે અને દેશમાં ખેડૂતો પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ રહેશે એવી સરકારે ખાતરી આપી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પશ્ચિમ એશિયામાં ગત 28મી ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ખાતરની પુરવઠા ચેઈન ખોરવાઈ જવાની ભીતિ સપાટી પર આવી છે. જોકે, આયાતના આ આંકડા પશ્ચિમ એશિયામાં વિવાદ શરૂ થયો તે પૂર્વેના છે. 

ફર્ટિલાઈઝર મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત અપ્રિલથી જાન્યુઆરી દરમિયાન દેશમાં સૌથી વધુ વપરાતા મુખ્ય ખાતર ડીએપી અને યુરિયાની આયાત ગત સાલના સમાનગાળાના 91.7 લાખ ટન સામે વધીને 1.494 કરોડ ટનની સપાટીએ રહી છે. જેમાં યુરિયાની આયાત ગત સાલના સમાનગાળાના 48.7 લાખ ટન સામે 83.3 ટકા વધીને 89.3 લાખ ટનની સપાટીએ રહી હતી, જ્યારે ડીએપીની આયાત ગત સાલના 43 લાખ ટન સામે વધીને 90.3 લાખ ટનના સ્તરે રહી હતી. 

સમીક્ષા હેઠળના સમયગાળામાં દેશમાં યુરિયા અને ડીએપીનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 2.927 કરોડ ટન સામે સાધારણ ઘટાડા સાથે 2.849 કરોડ ટનના સ્તરે રહ્યું હતું, જ્યારે આ સમય દરમિયાન ડીએપી અને યુરિયાનું વેચાણ ગત સાલના સમાનગાળાના 4.361 કરોડ ટન સામે સાધારણ વધીને 4.439 ટનની સપાટીએ રહ્યું હતું. વધુમાં આ સમયગાળામાં નેનો યુરિયા અને નેનો ડીએપીનું અનુક્રમે 1.825 કરોડ બોટલ અને 1.493 કરોડ બોટલ (પ્રત્યેક 500 એમએલની)નું થયું હતું. 

સામનન્યપણે વર્ષ 2018થી યુરિયા એ મહત્તમ છૂટક ભાવ સાથે સંકળાયેલ સબસિડાઈઝડ ખાતર છે જેની કિંમત પ્રત્યેક 45 કિલોની ગૂણીદીઠ રૂ. 242 છે. (લીમડાના કોટિંગ ચાર્જ અને વેરા રહિત ધોરણે) અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહ સંસદમાં રાજ્યકક્ષાના ખાતર ખાતાના પ્રધાન અનુપ્રીયા પટેલે જણાવ્યું હતું કે યુરિયના ભાવમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેમ જ સરકારે જણાવ્યું હતું કે દેશમાં ખાતરની માગ અને ઉત્પાદન વચ્ચેનો પુરવઠો આયાતથી સરભર કરવામાં આવશે અને દેશમાં સમયસર ખાતરની ઉપલબ્ધિ થશે.