નવી દિલ્હી: ડ્રગ સિન્ડિકેટ સામે ભારતની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને ઈન્ટેલીજન્સ એજન્સીઓને એક મોટી સફળતા મળી છે, દાઉદ ઇબ્રાહિમ ગેંગના ખુખ્યાત ડ્રગ સ્મગલર સલીમ ડોલાને મંગળવારે તુર્કીયેથી ભારત લાવવામાં આવ્યો છે. ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ સંકલિત કાર્યવાહી કરીને મંગળવારે વહેલી સવારે ડોલાને એક સ્પેશીયલ એરક્રાફ્ટ દ્વારા દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો.
ભારતની ઈન્ટેલીજન્સ એજન્સીઓ હાલ ડોલાની પૂછપરછ કરી રહી છે, વધુ પૂછપરછ માટે તેને મુંબઈ પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને સોંપવામાં આવી શકે છે.
ડોલા ભારતના સૌથી મોટા સિન્થેટિક ડ્રગ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય કાર્ટેલમાંનો મુખ્ય સૂત્રધાર હતો. 2018માં તેને જામીન મળ્યા બાદ તે કથિત રીતે UAE ભાગી ગયો હતો અને ત્યાંથી તેણે અલગ નામે પાસપોર્ટ મેળવ્યો હતો, ત્યારે બાદ તે તુર્કીયે પહોંચ્યો ત્યાંથી કાર્ટેલનું સંચાલન કરતો હતો.
નાર્કોટિક્સ ઉપરાંત સલીમ ડોલા અને તેના સહયોગીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સઘન તપાસ હેઠળ છે, તેમનું નેટવર્ક મની-લોન્ડરિંગમાં પણ સંકળાયેલું હોઈ શકે છે.
ડ્રગ કાર્ટેલને એક પછી એક મોટા ફટકા:
થોડા દિવસો પહેલા તુર્કીયેના ઇસ્તંબુલમાંથી ડોલાની ધરપકડ કરવામાં આવી હતી. ડોલાની ધરપકડ અને ડિપોર્ટેશનને કારણે અંડરવર્લ્ડના નાર્કોટિક્સના વેપારને એક મોટો ફટકો પડશે. કથિત રીતે ડોલા વિદેશમાં ડી-કંપનીના ડ્રગ ઓપરેશનનો મોટો હિસ્સો મેનેજ કરતો હતો. કથિત રીતે ડોલાનું ડ્રગ કાર્ટેલ દર વર્ષે 5,000 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરતો.
નોંધનીય છે કે જૂન 2025 માં સલીમ ડોલાના દીકરા તાહેર ડોલાનું યુનાઈટેડ આરબ અમીરાત(UAE)થી સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડોલાના નેટવર્કના મુખ્ય સહયોગી સલીમ મોહમ્મદ સોહેલ શેખને પણ UAEથી ભારત લાવવામાં આવ્યો હતો.