Thu Apr 30 2026

Logo

વૉશરૂમ અને ચેન્જિંગ રૂમમાં જતી મહિલા ફૂટબોલર્સના ચાર વર્ષ સુધી વીડિયો ઊતારનાર કોચને જેલની કોઈ જ સજા ન કરાઇ!

2026-03-04 19:12:06
Author: Ajay Motiwala
Article Image

પ્રાગ (ચેક રિપબ્લિક): ખેલાડીઓ માટે કોચ (પ્રશિક્ષક) ગુરુ કહેવાય છે, પરંતુ જો એ ગુરુ તેની મહિલા પ્લેયર્સનું જાતીય શોષણ કરે તો એ ગુરુ આકરામાં આકરી સજાને લાયક કહેવાય, પરંતુ યુરોપના ચેક રિપબ્લિક દેશની સ્લૉવેકો ફૂટબૉલ ક્લબના કોચને આવી કરતૂત બદલ જેલની કોઈ જ સજા નથી કરવામાં આવી અને માત્ર હળવા પ્રતિબંધ સાથે છોડી દેવામાં આવ્યો છે જેના વિરોધમાં આ દેશના પ્લેયર્સ યુનિયને તેમના પર આકરો પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

પેટ્ર વ્લાચોવ્સ્કી નામના ફૂટબૉલ કોચે પોતાની મહિલા સૉકર (soccer) ટીમની ખેલાડીઓના વૉશરૂમ તથા ચેન્જિંગ રૂમ (changing room)ના વીડિયો ઉતારવાની હલ્કી કરતૂત કરી હતી. તે ચાર વર્ષ સુધી આ કૃત્ય કરતો રહ્યો હતો અને જ્યારે આખો મામલો બહાર આવ્યો ત્યારે તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.

જોકે 2025ની સાલમાં એક અદાલતના ન્યાયાધીશે આ મુદ્દે ટ્રાયલ રાખ્યા વગર ચુકાદો આપ્યો હતો જેમાં કોચને એવી સજા કરાઈ હતી કે જો એક વર્ષમાં તે ફરી આવું કૃત્ય કરશે તો તેને જેલની સજા કરાશે. ક્રિમિનલ જજે આપેલો આ ફેંસલો ગયા મહિને જ પ્રકાશમાં આવ્યો હતો જેમાં કોચને ડોમેસ્ટિક કોચિંગ (દેશમાં કોચિંગ આપવા) સંબંધમાં પાંચ વર્ષ સુધી કોચિંગ આપવાની મનાઈ કરવામાં આવી હતી. ખેલાડીઓના સંગઠન (ચેક અસોસિયેશન ઑફ સૉકર પ્લેયર્સ)એ કોચ પર આજીવન પ્રતિબંધ મૂકવા જોરદાર માગણી કરી છે.

જોકે કોચ (Coach) પેટ્ર વ્લાચોવ્સ્કીને વિદેશોમાં ફૂટબૉલનું કોચિંગ આપવાની છૂટ છે. ફૂટબોલર્સનું સંગઠન કહે છે કે `જે જાતીય કૃત્યમાં મહિલા સાથે સીધો સંપર્ક ન થયો હોય તો પણ એ કૃત્ય મહિલાનો અનાદર કરવા સમાન જ કહેવાય એટલે મહિલા ખેલાડીઓને પૂરતું રક્ષણ મળવું જ જોઈએ.'