ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સ્થાનિક સોનામાં રૂ. 441નો અને ચાંદીમાં રૂ. 735નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ વધતાં ફરી ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ બંધ કરતાં ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવવાની સાથે ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર આવી હતી. તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં 25 પૈસા ગબડ્યો હોવાથી આયાત પડતરો વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 439થી 441નો સુધારો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 735 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધી આવવાને કારણે વિશ્વ બજારથી વિપરીત સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 439 વધીને રૂ. 1,51,487 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 441 વધીને રૂ. 1,52,096ના મથાળે રહ્યા હતા. જોકે, ગઈકાલે રિટેલ સ્તરની અક્ષયતૃતીયાની છૂટીછવાઈ માગ રહ્યા બાદ આજે એકંદરે માગ નિરસ રહી હતી. તેમ જ રોકાણલક્ષી અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી હતી. વધુમાં આજે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ રૂ. 735ના સુધારા સાથે રૂ. 2,50,675ના મથાળે રહ્યા હતા. જોકે, ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહી હતી, પરંતુ રિટેલ સ્તરની માગ શુષ્ક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત શનિવારે ઈરાને અમેરિકાએ શરતોનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પુનઃ બંધ કર્યો હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવતા ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર આવતા લંડન ખાતે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ રહેતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.8 ટકા ઘટીને 4790.59 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 1.4 ટકાના ઘટાડા સાથે 4811 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 79.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદમાં કાપ મૂકે તેવી શક્યતા પાતળી થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું બાયબીટના વિશ્લેષક હેન ટેને જણાવતાં ઉમેર્યું હતું કે જો પશ્ચિમ એશિયાના વિવાદનો લાંબા સમયગાળા સુધીનો ઉકેલ નહીં આવે તો સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 5000 ડૉલરની અંદર જ રહેશે. નોંધનીય બાબત એ છે કે ગત રવિવારે અમેરિકાએ જણાવ્યું હતું કે ઈરાનના કાર્ગોએ નાકાબંધી તોડી હોવાથી અમે કાર્ગો ટેકઓવર કર્યો છે, જ્યારે ઈરાને તેનો વળતો જવાબ આપવા આવશે એમ જણાવતાં બન્ને દેશો વચ્ચેની શાંતિમંત્રણા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. જોકે, હાલના તબક્કે, સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી, ડી-ડૉલરાઈઝેશન અને અન્ય ચલણોમાં અસ્થિરતા હોવાથી સોનાને અમુક અંશે ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.