Sun Jul 26 2026

Logo

અમેરિકા ઈરાન યુદ્ઘ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં 41 ટકાનો વધારો, ભાવ હજુ વધવાનો નિષ્ણાતોનો મત

Tehran   2026-03-14 16:24:00
Author: chandrakant Kanoja
Article Image

તહેરાન: મિડલ ઈસ્ટમાં સતત તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન હુમલો કર્યા બાદ યુદ્ધ વધુ વકર્યું છે. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં માત્ર 15 દિવસમાં 41 નો વધારો થયો છે. તેમાં પણ ઈરાન દ્વારા  હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ જાળવી રાખતા સ્થિતી વધુ વિકટ બની છે. જેના લીધે  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાઈ ચેનને અસર થઈ છે. તેમજ આ સ્થિતીમાં વિશ્વમાં ફુગાવા અને અસ્થિરતાનો ખતરો વધ્યો છે. 

ક્રુડ ઓઈલનો ભાવ  103 ડોલર  પ્રતિ બેરલ થયો


આ અંગે ક્રુડ ઓઈલના ભાવ પર નજર કરીએ તો જણાશે કે  યુદ્ધ શરૂ થયું તે પૂર્વે  27 ફેબ્રુઆરીએ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ લગભગ 73 ડોલર હતો.  જયારે શનિવાર સુધીમાં  તેનો ભાવ લગભગ 103 ડોલર  પ્રતિ બેરલ થયો છે. જે 15 દિવસમાં  ભાવમાં 30 ડોલર  પ્રતિ બેરલનો વધારો દર્શાવે છે. જે લગભગ 41. 1 ટકાનો ઉછાળો દર્શાવે છે.

 રોકાણકારોનું ધ્યાન આ સંઘર્ષ પર 

આ અંગે નિષ્ણાતો  જણાવ્યું  છે કે મિડલ ઇસ્ટમાં  વધતા તણાવની અસર આગામી દિવસોમાં વૈશ્વિક બજારો પર સ્પષ્ટપણે દેખાશે.  તેમજ તેના લીધે આગામી સપ્તાહ ખૂબ જ અસ્થિર હોઈ શકે છે. કારણ કે રોકાણકારોનું ધ્યાન આ સંઘર્ષ પર છે. આગામી સપ્તાહમાં શેરબજારનો ટ્રેન્ડ   મિડલ ઇસ્ટ માં ચાલી રહેલા સંઘર્ષને લગતી ઘટનાઓ પર નોંધપાત્ર રીતે નિર્ભર રહેશે. રોકાણકારો સંબંધિત દેશોના સરકારી અધિકારીઓ અને વૈશ્વિક હિસ્સેદારો દ્વારા મોકલવામાં આવેલા સંકેતોનું નજીકથી નિરીક્ષણ કરશે. 

 યુદ્ધ રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતાને પણ અસર કરશે

આ ઉપરાંત આ યુદ્ધની  અસર ફક્ત ક્રૂડ ઓઇલના ભાવ સુધી મર્યાદિત રહેશે નહીં. આ ઉપરાંત વૈશ્વિક બોન્ડ યીલ્ડ, મુદ્રા બજારો અને રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતાને પણ અસર કરશે. તેમણે ઉમેર્યું હતું કે ખાસ ધ્યાન હોર્મુઝ સ્ટ્રેટ પર કેન્દ્રિત રહેશે કારણ કે તે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા પુરવઠા માર્ગોમાંનો એક માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે  કે, 28 ફેબ્રુઆરીના રોજથી  અમેરિકા  ઇરાન વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ યુદ્ધ સામસામા હુમલા બાદ વધુ તીવ્ર બન્યું છે. આ યુદ્ધના લીધે  વૈશ્વિક ઊર્જા પુરવઠા અંગે બજારની ચિંતાઓમાં વધુ વધારો કર્યો છે.