નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ હવે સંવેદનશીલ બની રહ્યો છે. ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે ફ્યુલ માર્કેટને માઠી અસર થઈ છે. આ માહોલ વચ્ચે હવે તેલ કંપનીઓની ગંભીર ચેતવણ સામે આવી રહી છે. મેક્વેરી ગ્રુપના વિશ્લેષકોનું કહેવું છે કે, ગંભીર પરિસ્થિતિને સામાન્ય ગણવામાં આવી રહી છે. આ યુદ્ધના કારણે સ્થિતિ જો સુધરશે નહીં તો ક્રૂડ ઓઈલ 150 ડૉલર નહીં 200 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.
ગંભીર અસર પડી શકે
તા.27 માર્ચના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, હોર્મુઝ રૂટ લાંબા સમય સુધી બંધ રહ્યો તો વૈશ્વિક સપ્લાય પર ગંભીર અસર પડશે. માગની સાપેક્ષમાં પ્રાપ્યતા એકાએક ઘટી જશે તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો આવી શકે છે. આગળ શું થશે એના પર હવેની સ્થિતિનો ક્યાસ કાઢી શકાય છે. હોર્મુઝ લાંબા ગાળા સુધી બંધ રહેશે તો એનર્જી ઈન્ફ્રા.ને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સપ્લાય ચેઈન ઝડપી સામાન્ય થાય એવું દરેક દેશ ઈચ્છે છે પણ સામાન્ય થવામાં ઘણો લાંબો વખત વીતી જશે. યુદ્ધની આ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. વર્ષ 2008માં ક્રૂડ ઓઈલની કિંમત 146 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી હતી.
આર્થિક ફટકો પડી શકે
હોર્મુઝમાંથી દુનિયાના 20 ટકા જહાજની અવરજવર છે. આ જળમાર્ગ બંધ થતા હવે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા પર માઠી અસર થવાની છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર અઠવાડિયાનો સમય થયો છે. ટ્રમ્પે ભલે એવું કહ્યું કે, હુમલા બંધ કરી દેવામાં આવશે પણ યુદ્ધ અટકે એવું ટૂંકા ગાળામાં ક્યાંય વર્તાય એવું નથી. દુનિયાને માત્ર કાચા તેલનો જ નહીં પણ એક મોટા આર્થિક ફટકાનો સામનો કરવો પડી શકે છે. ક્રૂડ ઓઈલના જહાજ હોર્મુઝ પાસે અટવાતા અનેક રાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ રશિયાએ ક્રૂડ વેચવાનું શરૂ કરતા રશિયા પરની નિર્ભરતા વધી છે. આવા સમયમાં યુદ્ધ લાંબું ચાલ્યું તો ગેસ અને પેટ્રોલના મામલે પરિસ્થિતિ બગડવાના એંધાણ છે
ચીનને પણ કહી સંભળાવ્યું
લડાઈના માહોલમાં ઈરાને ચીનને પણ ફટકો મારી દીધો છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ચીનના જહાજને પણ પરત ફરવા માટે સ્પષ્ટતા કરી દીધી છે. આ બન્ને ચીનના જહાજ અબ્બાસ પાસેના લારક દ્વીપ પાસેથી પરત વળી ચૂક્યા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેમણે વિવિધ દેશોના ત્રણ કન્ટેનર જહાજોને પાછા મોકલી દીધા છે અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલને ટેકો આપતા દેશોના બંદરો પર જવા અથવા ત્યાંથી જતા જહાજો પર પ્રતિબંધ લગાવી દીધો છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી હવે ફક્ત ઇરાન માટે પસંદ કરેલા માલ-ખાસ કરીને ઘરગથ્થુ માલ, ઓટોમોબાઇલ, કપડાં અને ફાર્માસ્યુટિકલ્સ જહાજોને જ આપવામાં આવી રહી છે.
ત્રણ દિવસ લંબાવી દીધો
દરમિયાન, અનાજનું પરિવહન કરતા કેટલાક જહાજોને તાજેતરમાં ઇરાની બંદરોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે, જોકે નોંધપાત્ર વિલંબ પછી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે ઇરાન સામે વધુ તીવ્ર હુમલાઓની ચેતવણી આપી છે. પેન્ટાગોન મધ્ય પૂર્વમાં 10,000 જેટલા વધારાના ભૂમિ સૈનિકો તૈનાત કરવાનું વિચારી રહ્યું છે. યુ.એસ. દાવો કરે છે કે આ પગલાથી ઇરાન પર હુમલો કરવાના તેના વિકલ્પોનો વિસ્તાર થશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાનના ઉર્જા ક્ષેત્ર પર હુમલો ન કરવાના તેમના નિર્ણયને વધારાના ત્રણ દિવસ લંબાવ્યો છે.