ચેન્નઇઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની વાયરલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બ્લોક થવા મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકાર (MEITY) અને મેટા (Meta) પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો છે.
રવિવારે કોંગ્રેસે દાવો કર્યો કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના નિયમોને કારણે ઈન્સ્ટાગ્રામ દ્વારા રાહુલ ગાંધીની એ રીલ અને ફોટો પોસ્ટ 'બ્લોક' કરી દેવામાં આવ્યા જેમાં તેઓ અભિનેતા અને રાજનેતા વિજય સાથે જોવા મળ્યા હતા.
જોકે, સરકારી સૂત્રોએ આ આરોપોને નકારી કાઢ્યા છે. પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, આ પોસ્ટને હવે ફરીથી મૂકી દેવામાં આવી છે.
ટેકનિકલ ભૂલ
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, "આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવા દેવા નથી. પ્લેટફોર્મની આંતરિક સિસ્ટમમાં ભૂલને કારણે આ પોસ્ટ બ્લોક થઈ ગઈ હતી."
રાહુલ ગાંધી રવિવારે ચેન્નાઈમાં હતા, જ્યાં તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર વિજય સાથેની ઘણી તસવીરો શેર કરી હતી.
સોશિયલ મીડિયા રીચ દબાવવાનો કોંગ્રેસનો ગંભીર આરોપ
કોંગ્રેસ નેતા અને રાહુલ ગાંધીના સહયોગી શ્રીવત્સે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, "ઇન્સ્ટાગ્રામ દ્વારા રાહુલ ગાંધીની એ રીલ અને તસવીરો બ્લોક કરવામાં આવી છે, જેમાં તેઓ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન 'થલાપતી' વિજય સાથે જોવા મળ્યા હતા."
શ્રીવત્સે પોસ્ટની લોકપ્રિયતા અંગે વિગતો આપતા જણાવ્યું કે આ રીલને એક કલાકથી પણ ઓછા સમયમાં 1.2 કરોડ (12 મિલિયન) વ્યૂઝ મળી ગયા હતા. તસવીરો વાળી પોસ્ટ બ્લોક થઈ તે પહેલા જ 4.6 કરોડ (46 મિલિયન) લોકો સુધી પહોંચી ગઈ હતી.
મેટા અને સરકાર પર આકરો પ્રહાર
તેમણે વધુમાં આરોપ લગાવતા કહ્યું કે મેટા (Meta)એ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે તેમના એકાઉન્ટને એક્સેસ કરવામાં કેમ મુશ્કેલી પડી રહી છે. આ પ્રકારની 'ટેકનિકલ ખામી' મંત્રાલયના (MEITY) નિયમોને કારણે ઊભી થઈ છે. રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને લાંબા સમયથી દબાવવામાં આવી રહ્યા છે. તેમના X (ટ્વિટર)ની પહોંચ, યુટ્યુબ વ્યૂઝ અને ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ - આ તમામના આંકડાઓને જાણી જોઈને અટકાવવામાં આવી રહ્યા છે.
શ્રીવત્સે વધુમાં કહ્યું કે આ જ રીતે ભારતના વિપક્ષી નેતાઓના અવાજને દબાવવામાં આવી રહ્યો છે.
કેરળ કોંગ્રેસનું કેન્દ્ર પર નિશાન
આ વિષય પર કેરળ કોંગ્રેસે પણ આકરા પ્રહાર કર્યા છે. કેરળ કોંગ્રેસે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, "ભાજપ સરકારની અસુરક્ષા હવે ખરેખર એક દયનીય સ્તર પર પહોંચી ગઈ છે. જ્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને થલાપતી વિજયની એક જ રીલ માત્ર એક કલાકમાં 1.2 કરોડ (12 મિલિયન) વ્યૂઝ સુધી પહોંચી જાય છે, ત્યારે સિસ્ટમમાં અચાનક એક 'અનુકૂળ' ટેકનિકલ ખામી આવી જાય છે." જે સરકાર પોતાને શક્તિશાળી ગણાવે છે, તેને આ રીતે ખુલ્લેઆમ કાયરતા બતાવતી જોવી એ શરમજનક છે.
મુખ્યધારાનું મીડિયા (Mainstream Media) કદાચ તેમની મુઠ્ઠીમાં હોઈ શકે છે, પરંતુ જ્યારે લોકોનો મિજાજ તેમની વિરુદ્ધ જાય છે, ત્યારે તેઓ તેને સહન કરી શકતા નથી. વિપક્ષની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને 'ડિલીટ' બટન દબાવતી વખતે તેમના હાથ ધ્રૂજે છે. આ બાબત સાબિત કરે છે કે તેમનો અહંકાર અંદરથી કેટલો નબળો છે.કોંગ્રેસે આ ઘટનાને ટેકનિકલ ભૂલ નહીં પણ વિપક્ષના વધતા પ્રભાવને રોકવાનું એક ષડયંત્ર ગણાવ્યું છે.
This video from Tamil Nadu CM @TVKVijayHQ ‘s oath ceremony today has been blocked by @Meta on both LoP @RahulGandhi and Congress Party’s accounts.
— Ruchira Chaturvedi (@RuchiraC) May 10, 2026
What’s wrong with this video @Meta? Why has this been blocked? pic.twitter.com/4x0R4XxHut