Thu May 07 2026

Logo

ચૂંટણી પૂર્વે રાજકીય જંગ! સાંતેજ PI કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવતા હોવાનો આક્ષેપ

2026-04-12 22:19:00
Author: Devayat Khatana
Article Image

મહેસાણા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુદ્દે રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બલદેવજી ઠાકોરે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવારોને તેમના ઉમેદવારી પત્રકો પાછા ખેંચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયામાં વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ તંત્રનો સીધો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

બલદેવજી ઠાકોરે વિગતો આપતા જણાવ્યું કે, સાંતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કોંગ્રેસના ઉમેદવારો પર ભારે દબાણ લાવવામાં આવી રહ્યું છે. આક્ષેપ મુજબ, સંબંધિત પોલીસ અધિકારી ગેરબંધારણીય રીતે ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરી રહ્યા છે અને ઉમેદવારોને ધાક-ધમકી આપી રહ્યા છે. વધુમાં એવો પણ ચોંકાવનારો દાવો કરાયો છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ ચૂકી હોવા છતાં, તેઓ હજુ પણ પદ પર રહીને ભાજપને ફાયદો કરાવવા માટે હસ્તક્ષેપ કરી રહ્યા છે.
 

આ મામલે કોંગ્રેસના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તાકીદે એક્શન લેતા ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં પણ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસે માંગ કરી છે કે સાંતેજ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને ચૂંટણી પ્રક્રિયામાં પોલીસ દ્વારા થતા ગેરકાયદેસર હસ્તક્ષેપ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે જેથી લોકશાહીનું મૂલ્ય જળવાઈ રહે. કોંગ્રેસ પક્ષે તેમના કાર્યકરોને હવે જ્યારે પોલીસનો ફોન આવે તો રેકોર્ડીંગ કરવાની સલાહ આપી છે કે જેથી તેનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે.