- રાજ ગોસ્વામી
સાંઇઠ વર્ષની ઉંમર અંગે આપણા સમાજમાં એક જૂની છબી છે; સફેદ વાળ, ધીમી ચાલ, દવાના ડબ્બા, બગીચામાં ચહેલકદમી, જવાબદારીઓ વગરના દિવસો અને પૌત્રો-પૌત્રીઓ સાથે મસ્તી... જાણે સાંઇઠનો માઇલસ્ટોન એક લાંબી યાત્રાનું અંતિમ સ્ટેશન હોય!
જોકે છેલ્લા અમુક દાયકામાં, દુનિયામાં એક મૌન ક્રાંતિ આવી છે : લોકોની આવરદા વધી રહી છે અને જેને આપણે ઘડપણ કહેતા હતા તે હવે ખસીને ‘યુવાની’ના બ્રેકેટમાં આવી રહ્યું છે. હવે સાંઇઠે સક્રિય જીવન પૂરું નથી થતું, પણ એમાં એક નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે.
અમુક દાયકાઓ પહેલાં જીવનની એક નિશ્ર્ચિત સ્ક્રિપ્ટ હતી; સ્કૂલ જાઓ, નોકરી કરો, પરિવાર બનાવો, બાળકો મોટાં કરો અને સાંઇઠની આસપાસ નિવૃત્ત થઈને ભજન કરો.... આ પૂરી પટકથા પાછળ એક વણબોલી ધારણા કામ કરતી હતી કે માણસ બહુ લાંબું નથી જીવતો- એટલે તેણે જીવનનાં મહત્ત્વપૂર્ણ કામો નક્કી સમયમાં કરી નાખવાં જોઈએ, જેથી અફસોસ કે અધૂરપ ન રહી જાય.
પૌરાણિક હિંદુ પરંપરામાં એટલા માટે જ ચાર પુરુષાર્થની વ્યવસ્થા બનાવવામાં આવી હતી- અર્થ- કામ-ધર્મ- મોક્ષ...
જેમાં દરેક પુરુષાર્થ માટે નિશ્ર્ચિત સમય ફાળવવામાં આવ્યો હતો. ત્યારે પણ ધારણા એવી જ હતી કે ઈશ્વરે (પ્રકૃતિએ) દરેક માટે નિશ્ર્ચિત જીવનકાળ નક્કી કર્યો છે અને તેનો જો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ન આવે તો ઘણાં કામ અધૂરાં રહી જાય.
વીસમી સદીના મધ્યમાં જ્યારે વિશ્વમાં સામાજિક સ્ટક્ચર અને પેન્શનની વ્યવસ્થાઓ બનાવવામાં આવી ત્યારે સરેરાશ જીવન સિત્તેરની આસપાસ હતું (ભારતમાં 1947ની સાલમાં સરેરાશ ઉંમર 32 હતી!). એટલે સાંઇઠ પછીના સમયને એક નાનકડો પડાવ માનવામાં આવતો હતો. આજે આ ગણિત બિલકુલ બદલાઈ ગયું છે. ભારતમાં સરેરાશ આવરદા હવે 72ની પાર પહોંચી ગઈ છે અને તે વધી રહી છે. 2050માં તે 78 વર્ષ સુધી પહોંચવાની ધારણા છે. એવું કહેવાય છે કે આજે જન્મેલું બાળક 100 વર્ષને અડશે. ચિકિત્સા સુવિધાઓમાં જબ્બર પ્રગતિ, બહેતર આહાર, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને જીવનશૈલીમાં બદલાવના કારણે લોકો હવે લાંબું જીવવા લાગ્યા છે.
એટલું જ નહીં, બલકે તેમના જીવનની ગુણવત્તા પણ બદલાઈ છે. ભારતમાં હવે વ્યવસાયિક કે સામાજિક રીતે નિવૃત્ત થઈ ગયેલા લોકો હવે નિષ્ક્રિય નથી રહેતા, તે બધા તેમનું અંગત જીવન વધુ ચુસ્ત રીતે, સમૃદ્ધ રીતે અને વધુ મજાથી જીવે છે.
‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ’નાં અનુમાનો અનુસાર ભારતમાં આજે લગભગ 15.3 કરોડ લોકો સાંઇઠ કે તેનાથી વધુ ઉંમરના છે. 2050 સુધી આ સંખ્યા વધીને લગભગ 34.7 કરોડ થઈ શકે છે. અત્યારે ભારતમાં 65 ટકા આબાદી 35 વર્ષની આસપાસ છે અને તેમાં પણ વધારો થઈ રહ્યો છે. આ કેવળ આંકડો જ નથી, પણ સમાજના ચહેરામાં થનારા એક વિશાળ પરિવર્તનનો સંકેત છે.
સંયુક્ત રાષ્ટ્રએ તો 60 અને 75 વર્ષની વય વચ્ચેના લોકોને ‘યંગ-ઓલ્ડ’ શ્રેણીમાં ગણવાના શરૂ કર્યું છે. આ એ લોકો છે જે શરીર અને મનથી સક્રિય છે- હોબીઓ સંતોષે છે, પ્રવાસ કરે છે એ નવી ટક્નૉલૉજીઓ અપનાવે છે. મજાની વાત એ છે કે વધતી ઉંમર હવે કેવળ ‘જીવિત રહેવા’ની વાર્તા નથી, બલકે ‘જીવન જીવવા’ની કથા બની ગઈ છે અને આવું આખી દુનિયામાં થઈ રહ્યું છે. થોડાં વર્ષો પહેલાં લોરા કારસ્ટેન્સન નામની અમેરિકન સમાજશાસ્ત્રી અને લેખિકાએ તેના પુસ્તક ‘અ લોંગ બ્રાઇટ ફ્યુચર’માં લખ્યું હતું કે મનુષ્ય જેમ-જેમ લાંબું જીવન જીવવા લાગ્યો છે, તેમ-તેમ ઉંમરના અંતિમ ચરણમાં આપણી સમજ પણ બદલાઈ રહી છે. તેના મતે અમેરિકામાં વૃદ્ધાવસ્થા નિર્ભરતાની સ્થિતિ નથી, બલકે અવસરોનો સમય છે. અર્થાત્, જીવનમાં એવાં અનેક કામ છે જે માત્ર ઘડપણમાં જ થઈ શકે તેમ છે અને તેના માટે તમારે જાતને તૈયાર કરવી પડે.
આ વાત આસપાસમાં દેખાય છે. લાંબી ઉંમરે જીવનમાં એક એવો નવો કાલખંડ જોડી દીધો છે, જેને પહેલાં ગંભીરતાથી જોવામાં આવ્યો નહોતો. ભારતનાં શહેરોમાં આ ફરક સાફ દેખાય છે. દિલ્હી, અમદાવાદ, વડોદરા, પૂણે, બેંગ્લોર કે હૈદરાબાદ જેવાં શહેરોમાં સવારે કોઈ પણ પાર્કમાં આંટો મારી આવજો. સાંઇઠ અને સત્તર વર્ષની ઉંમરવાળા ‘સિનિયર સિટિઝન્સ’ યુવાનોને શરમાવે તે રીતે તેજ ગતિએ ચાલતા હોય છે, યોગ કરતા હોય છે, સાઇકલ ચલાવતા હોય છે, લાફ્ટર કરતા હોય છે અથવા સમૂહમાં વ્યાયામ કરતા હોય છે.
આ માત્ર વ્યક્તિગત ઉદાહરણ નથી. દુનિયાભરમાં ‘અનરિટાયરમેન્ટ’ યાની સેવાનિવૃત્તિ પછી કામનો સમય શરૂ કરવાનું ચલણ વધી રહ્યું છે. લોકો નવું કામ શોધે છે, નવી કંપનીઓ સ્થાપે છે, ક્ધસલ્ટિંગ સેવાઓ આપે છે, સામાજિક કામો કરે છે, નવેસરથી અભ્યાસ કરે છે અને સોશ્યલ મીડિયામાં સક્રિયતા વધારે છે.
‘હાર્વર્ડ વિશ્વવિદ્યાલય’ના અનેક અભ્યાસ સંકેત આપે છે કે સક્રિય સામાજિક જીવન, નિયમિત વ્યાયામ અને માનસિક સંલગ્નતા ઘડપણની પ્રક્રિયાને સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. અભ્યાસ કહે છે કે જૈવિક (બાયોલૉજિકલ) ઉંમર- એટલે કે શરીર વાસ્તવમાં કેટલું સ્વસ્થ છે- તે હવે કૅલેન્ડરમાં દર્જ ઉંમર કરતાં વધુ મહત્ત્વની બની રહી છે. આ કારણથી જ આજના અનેક સિનિયર સિટિઝન્સ અમુક દાયકાઓ પહેલાંના પચાસ વર્ષીય લોકો કરતાં અધિક સ્વસ્થ દેખાઈ રહ્યા છે.
આ બધા વચ્ચે એક મહત્ત્વનું પરિવર્તન આર્થિક મોરચે છે. દુનિયા હવે ‘સિલ્વર ઇકૉનાૉૅમી’ શબ્દનો ઉપયોગ કરી રહી છે. તેનો અર્થ છે- સિનિયર સિટિઝન્સની વધતી આર્થિક શક્તિ અને સક્રિય ભાગીદારી. પહેલાં બુઝુર્ગોને કેવળ ‘પેન્શન ખાતા’ સમૂહ તરીકે જોવામાં આવતા હતા. આજે તે કસદાર ક્ધઝ્યુમર છે, ઇન્વેસ્ટર છે, ઉદ્યમી છે અને આર્થિક ગતિવિધિઓનો મહત્વનો હિસ્સો છે. ભારત સરકારે પણ આ લોકોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ જાહેર કરેલી છે.
બ્રિટિશ લેખક ઍન્ડ્રયુ સ્કોટ અને લિન્ડા ગ્રેટન તેમના એક દિલચસ્પ પુસ્તક ‘ધ 100 યર્સ લાઇફ’માં લખે છે કે મનુષ્ય જો સો વર્ષ જીવતો સમાજ બની રહ્યો હોય તો જીવનને ત્રણ હિસ્સામાં- શિક્ષણ, કામ અને સેવાનિવૃત્તિ- વહેંચવાનું જૂનું મોડલ બદલવું પડશે. જીવન ઘણાં નવાં ચરણોમાં વિભાજિત થશે- જ્યાં લોકો નવેસરથી શીખશે, કામ બદલશે અને જાતને નવા રૂપમાં જોશે.
આમ ઉંમર વધવી એ દરવાજાઓ બંધ થવાનો અવાજ નથી. એ એક નવો રૂમ ખૂલવાનો સંકેત પણ છે. આપણો સમાજ લાંબા સમય સુધી કોઈ બાળકને કહેતો હતો કે તે તેની ઉંમર કરતાં મોટો દેખાય છે અને કોઈ વયસ્કને કહેતો રહ્યો હતો કે તે તેની ઉંમર કરતાં નાનો દેખાય છે. જાણે ઉંમરની પોતાની કોઈ સુંદરતા જ ન હોય. પણ હવે સમય આવી ગયો છે કે આપણે ઉંમરને છુપાવાને બદલે સ્વીકારીએ, કારણ કે ઉંમર વધવી એ વાસ્તવમાં જીવનનું સંકોચનનથી, તે તેનો વિસ્તાર પણ હોઈ શકે છે અને એ પણ સંભવ છે કે આવનારાં વર્ષોમાં આપણને એ સમજાશે કે ઘડપણ અસલમાં યુવાવસ્થાનો અંત નથી બલેક તેનું બીજું પ્રકરણ છે- વધુ શાંત, વધુ સમૃદ્ધ અને કદાચ વધુ સુંદર.