Tue Jul 28 2026

Logo

ચૅમ્પિયન્સ લીગમાં બે મૅચના 2-0થી પરિણામ, એકમાં ઍટલેટિકો અને બીજામાં પીએસજીનો વિજય

2026-04-09 17:50:26
Author: Ajay Motiwala
Article Image

બાર્સેલોના/પૅરિસઃ ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં બુધવારે બે શહેરમાં રમાયેલી મૅચના એકસરખા પરિણામ આવ્યા હતા અને એક મૅચમાં ઍટ્લેટિકો (ATLETICO) મૅડ્રિડે અને બીજી મૅચમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG)એ જીત મેળવી હતી. આ બે મૅચમાં અનુક્રમે બાર્સેલોના અને લિવરપૂલે હાર જોવી પડી હતી.

ક્વૉર્ટર (Quarter) ફાઇનલ રાઉન્ડનો બેમાંથી આ પ્રથમ તબક્કો હતો જેમાં બાર્સેલોનામાં ઍટ્લેટિકો મૅડ્રિડને જુલિયન અલ્વારેઝ (45મી મિનિટ) અને ઍલેક્ઝાંડર સૉર્લોથ (70મી મિનિટ)એ એક-એક ગોલ કરીને આસાન વિજય અપાવ્યો હતો. ઍટ્લેટિકોના ડિફેન્ડર્સે મજબૂત સંરક્ષણ સાથે બાર્સેલોનાના ખેલાડીઓને એક પણ ગોલ નહોતો કરવા દીધો. હવે મંગળવારે બીજા તબક્કાની મૅચ જીતીને બાર્સેલોના પાંચ યુરોપિયન કપમાં વધુ એક ટ્રોફીનો ઉમેરો કરવાની 11 વર્ષની ઇન્તેજારીનો અંત લાવવા કોઈ કસર બાકી નહીં રાખે.

મૅચ દરમ્યાન બાર્સેલોનાની ટીમમાંથી એક ખેલાડીની થઈ જતાં આ ટીમે 11ને બદલે 10 ખેલાડી સાથે રમવું પડ્યું હતું અને ઍટ્લેટિકોએ એનો ફાયદો ઉઠાવ્યો હતો.

પૅરિસમાં પીએસજીનો લિવરપૂલ સામે 2-0થી વિજય થયો હતો. એમાં પીએસજી વતી ડિઝાયર ડૂએ (11મી મિનિટ) અને ખ્વીચા ક્વારાત્ખેલિયા (65મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો અને પીએસજીના ડિફેન્ડર્સે લિવરપૂલના ખેલાડીઓને એક પણ ગોલ કરવાની તક નહોતી આપી.

અન્ય બે ક્વૉર્ટર ફાઇનલમાં બાયર્ન મ્યૂનિકે રિયલ મૅડ્રિડ સામે 2-1થી અને આર્સેલને સ્પોર્ટિંગ સીપી સામે 1-0થી જીત મેળવી હતી અને હવે 14-15 એપ્રિલે રમાનારી બીજા તબક્કાની ક્વૉર્ટર ફાઇનલ પર સૌની નજર રહેશે. સેમિ ફાઇનલ અને ફાઇનલ મે મહિનામાં રમાવાની છે.