Sun Sep 13 2026

Logo

મેડિકલ સ્ટોરમાં મળતી આલ્કોહોલવાળી દવા અંગે કેન્દ્ર સરકારે લીધો શું મોટો નિર્ણય ?

2026-07-10 10:41:00
Author: Mumbai Samachar Team
મેડિકલ સ્ટોરમાં મળતી આલ્કોહોલવાળી દવા અંગે કેન્દ્ર સરકારે લીધો શું મોટો નિર્ણય ?

નવી દિલ્હી: દેશમાં કફ સિરપ અને ટોનિકનો નશા તરીકે થઈ રહેલા દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત કડક પગલું ભર્યું છે. સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં મોટો સુધારો કરીને વધુ આલ્કોહોલનું પ્રમાણ ધરાવતી ઓરલ દવાઓને (સિરપ/ટોનિક) 'શેડ્યૂલ H1' શ્રેણીમાં મૂકી દીધી છે. આ નિર્ણય બાદ હવે આવી દવાઓ કાઉન્ટર પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન (લખાણ) વગર ખુલ્લેઆમ વેચી શકાશે નહીં.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, બે શરતો પૂરી કરતી તમામ ઓરલ લિક્વિડ (પ્રવાહી) દવાઓ હવે કડક દેખરેખ હેઠળ રહેશે:

જે પણ દવા 30 મિલીલીટર (ml) કરતાં મોટા પેકિંગમાં આવે છે.

આલ્કોહોલનું પ્રમાણ: જેમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 12% કરતાં વધુ હોય.

આ બંને માપદંડો હેઠળ આવતી તમામ દવાઓનો હવે Schedule H1 લિસ્ટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ એ જ લિસ્ટ છે જેમાં ઊંઘની ગોળીઓ, હેવી પેઇન કિલર્સ (તીવ્ર દર્દનિવારક દવાઓ) અને નશા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી અત્યંત સંવેદનશીલ દવાઓ સામેલ હોય છે.

Schedule K ની છૂટ પણ સમાપ્ત

સરકારે આ ફેરફાર હેઠળ 'Schedule K' માં પણ સુધારો કર્યો છે. આ અંતર્ગત પહેલા જે દવાઓને નિયમો અને વેચાણમાં કેટલીક વિશેષ છૂટ મળતી હતી, તે છૂટ હવે 30 ml થી મોટી અને 12% થી વધુ આલ્કોહોલ ધરાવતી ઓરલ (પીવાની) દવાઓ પર લાગુ થશે નહીં. આ પગલાનો મુખ્ય હેતુ આવી દવાઓના મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) થી લઈને રિટેલ કાઉન્ટર સુધીની આખી સપ્લાય ચેઈન પર કડક નજર રાખવાનો છે.

શું બદલાશે?

અત્યાર સુધી આવી દવાઓ સરળતાથી મળી જતી હતી. પરંતુ હવે આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન (લખાણ) વગર નહીં મળે. દુકાનદારે આ દવાઓનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો પડશે. તેમજ બોટલ પર ચેતવણીનું લેબલ લગાવવું પણ ફરજિયાત રહેશે.

પહેલા શું થયું હતું?

આ નિયમનો ડ્રાફ્ટ (ખરડો) ઓક્ટોબર 2025માં જ જનતાની સામે મૂકવામાં આવ્યો હતો, જેથી લોકો પોતાના અભિપ્રાય અથવા વાંધા રજૂ કરી શકે. આ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. આ પછી સરકારે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (દવા તકનીકી સલાહકાર બોર્ડ) સાથે પણ ચર્ચા કરી અને હવે તેને કાયદાનું સ્વરૂપ આપ્યું છે.