ભોપાલ: ભોપાલના ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ આરોપીઓ સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહ વિરુદ્ધ 636 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ બીએનએસની કલમ 80(2), 85, 108 અને 3(5) હેઠળ આરોપ મૂક્યો છે.આ આરોપીઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961 ની કલમ 3 અને 4 હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યા છે.
સાસરીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી
આ અંગે સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂર્વ મોડેલ ત્વિષા શર્મા 12 મેના રોજ ભોપાલમાં સાસરીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના પતિ સમર્થ વકીલ છે જ્યારે તેની માતા ગિરિબાલા ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ છે. ત્વિષાના પરિવારે આરોપ લગાવ્યો છે કે બંનેએ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો અને દહેજ માટે પણ હેરાન કરી હતી.
ત્વિષાએ ડિસેમ્બર 2025માં સમર્થ સાથે લગ્ન કર્યા હતા અને 12 મેના રોજ સાસરીમાં મૃત હાલતમાં મળી આવી હતી.
મેડીકો-લીગલ કેસ નોંધવામાં આવ્યો હતો
એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સમર્થ ત્વિષાને ભોપાલના એઈમ્સમાં લઈ ગયો હતો. જ્યાં તેણે દાવો કર્યો હતો કે તેને રાત્રે 10:20 વાગ્યે ઘરે ફાંસી લગાવી હતી. એફઆઈઆર મુજબ, એઈમ્સના ડોકટરોએ પોલીસને જાણ કરી હતી કે તે પહોંચતા જ મૃત્યુ પામી ચૂકી હતી. જેના કારણે મેડીકો-લીગલ કેસ નોંધવામાં આવ્યો હતો.
બીજા પોસ્ટમોર્ટમ બાદ સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી
મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ હેઠળ પ્રાથમિક પોલીસ તપાસ અને બીજા પોસ્ટમોર્ટમ બાદ, સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી અને સમર્થ અને ગિરિબાલાની ધરપકડ કરી હતી.