અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AI કેટલ આઈડી સિસ્ટમનું ડ્રાય રન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. આ મહિનાના અંત સુધીમાં આ પાયલટ પ્રોજેક્ટ અમલી બની જશે. AMC એ વાસણા, સારંગપુર, અસારવા અને બહેરામપુરા વિસ્તારમાં 60 રખડતા ઢોરના 138 ફોટા પાડીને આ પરીક્ષણ કર્યું હતું. રાજ્ય સરકારે 19 જાન્યુઆરીએ કોમનવેલ્થ ગેમ્સ 2030 ની તૈયારીઓના ભાગરૂપે આ પહેલની જાહેરાત કરી હતી.
કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?
જેવી રીતે માણસોની ઓળખ માટે ફિંગરપ્રિન્ટ હોય છે તેમ ગાયના નાકની છાપ લેવામાં આવે છે. AI મોડેલ માત્ર નાકની છાપ જ નહીં, પરંતુ આંખની રચના, ચહેરાના લક્ષણો અને શરીરના નિશાનનું પણ વિશ્લેષણ કરે છે.સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે આ ફોટાઓને AI દ્વારા CCTV કેમેરામાં ફીડ કરવામાં આવ્યા, ત્યારે પશુ માલિકોની ઓળખ એકદમ સચોટ રીતે થઈ હતી.
AMC પાસે હાલમાં 1 લાખ RFID-ટેગ ધરાવતી ગાયોનો ડેટાબેઝ છે. હવે મેન્યુઅલ ચેકિંગના બદલે 130 મુખ્ય જંકશન પરના CCTV દ્વારા પશુઓની ઓળખ થશે. રખડતા ઢોરને કારણે થતા ટ્રાફિક જામ અને અકસ્માતોને રોકવા માટે આ સિસ્ટમ સીધી AMC અને પોલીસના CCTV નેટવર્ક સાથે જોડવામાં આવશે. મોટાભાગના વિસ્તારોને પહેલેથી જ 'નો કેટલ ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. ફીલ્ડ ટેસ્ટિંગ સફળ થયા બાદ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતભરમાં આ પ્રકારનો આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે, જે ગિફ્ટ સિટીના AI સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વિકસાવવામાં આવ્યો છે.