Wed Sep 02 2026

Logo

થાણેમાં કાર અને ટ્રકમાં આગ: પાંચનો બચાવ

2026-05-26 18:13:00
Author: Sapna Desai
થાણેમાં કાર અને ટ્રકમાં આગ: પાંચનો બચાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં મંગળવારે વહેલી સવારના બે અલગ અલગ બનાવમાં કાર અને ટ્રકમાં લાગેલી આગમાં પાંચ લોકોને સુરક્ષિત રીતે બચાવ થયો હતો.થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મુંબઈ-નાશિક હાઈવે પર ચાર મિત્રો પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સવારના ચાર વાગ્યાની આસપાસ સાકેત બ્રિજ પાસે કલ્યાણ બાયપાસથી ગાયમુખ તરફ ગાડી પહોંચી હતી ત્યારે કારમાં અચાનક ધુમાડો નીકળી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. 

કારમાંથી ધુમાડો નીકળતો જણાતા ડ્રાઈવરે તરત કારને હાઈવે પર એક તરફ કરી દીધી હતી અને તેમાંથી તેઓ તરત બહાર નીકળી આવ્યા હતા. એ સાથે જ ક્ષણભરમાં આખી કારમાં આગ ફાટી નીકળી હતી.ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ ૪.૫૪ વાગે આગને બુઝાવવામાં સફળતા મળી હતી.
આગનો બીજો બનાવ થાણે પશ્ર્ચિમમાં કૅસલમિલ નાકા પર આંબેધોસાળે  તળાવ નજીક સવારના ૪.૩૩ વાગે બની હતી, જેમાં રસ્તાની એક બાજુએ પાર્ક કરેલા ટ્રકની કેબિનમાં આગ લાગી હતી.


આગ લાગવાની સાથે જ તેમાં રહેલો ડ્રાઈવર તરત ટ્રકમાંથી બહાર નીકળી આવ્યો હતો. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ એક કલાકે આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતુું.