Tue Jul 28 2026

Logo

અમદાવાદની હવા ઝેરી! શહેરના પક્ષીઓના શરીરમાં મળ્યા કેન્સર કરી શકે તેવા ઝેરી તત્વો...

2026-02-23 16:32:58
Author: Savan Zalariya
Article Image

અમદાવાદ: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચાનો વિષય રહ્યો છે, એવામાં અમદાવાદમાં પ્રદુષણની ગંભીરતા વિષે અંદાજ આપતો એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશિત થયો છે. અહેવાલ મુજબ શહેરમાં વસતા પક્ષીઓના શરીરમાં પ્રદુષણને કારણે મોટા પ્રમાણમાં ઝેરી તત્વો મળી આવ્યા છે.પક્ષીઓ પર અભ્યાસ કરતી અમદાવાદ સ્થિત એક સંસ્થાએ શહેરના કેટલાક પક્ષીઓ પર અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે વાહનો અને કારખાનાઓમાંથી નીકળતા ઝેરી પ્રદુષણો પક્ષીઓની માંસપેશીઓમાં જોવા મળ્યા. 

પક્ષીઓના શરીરમાં PAHs મળી આવ્યા: 
અભ્યાસ અહેવાલ મુજબ સંસ્થાએ અમદાવાદ શહેરમાં છ પ્રજાતિઓના 37 પક્ષીઓ પર ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું  હતું, સંશોધકોને જાણવા મળ્યું કે પક્ષીઓના શરીરમાં પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) મળી આવ્યા. કોલસો, પેટ્રોલીયમ, ગેસ, કચરો અને તમાકુ અથવા ગ્રિલ્ડ મિટ જેવા અન્ય કાર્બનિક પદાર્થોના અપૂર્ણ બાળવાને કારણે ઉત્પન થતા 100 થી વધુ વિવિધ રસાયણોના સમૂહને પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) ઓળખવામાં આવે છે.

અહેવાલ મુજબ પક્ષીઓના શરીરમાં નેપ્થેલિન, ફેનાન્થ્રીન અને ફ્લોરેન્થેન સૌથી વધુ મળી આવ્યા,  જે પ્રદુષણની શરીર પર થતી ગંભીર અસર દર્શાવે છે. શરીરમાં વધુ પ્રમાણમાં PAHs  જમા થવાથી કેન્સર પેદા કરી શકે છે અને DNAને નુકશાન પહોંચાડી શકે છે.

કબૂતર પ્રદુષણનું બાયોઇન્ડિકટર:
અભ્યાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે શહેરોમાં કબૂતર મોટો સંખ્યામાં જોવા મળે છે, માનવ પ્રવૃત્તિઓ સાથે કબુતર ગાઢ રીતે જોડાયેલા છે, અને સેમ્પલ લેવામાં પણ સરળતા રહે છે, જેને કારણે કબુતર PAH પ્રદુષણનું વ્યવહારુ બાયોઇન્ડિકટર સાબિત થઇ શકે છે.

પર્યાવરણીય કટોકટી તરફ સુચન:
અહેવાલ મુજબ પક્ષીઓના શરીરમાં ક્યા સ્ત્રોતોમાંથી PAHs જમા થઇ રહ્યા છે એ જાણવા માટે વધુ અભ્યાસની જરૂર છે. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે હાલ PAHસનું સ્તર ઘાતક નથી, તે ધીમી ગતિએ વધી રહેલી પર્યાવરણીય કટોકટી તરફ સુચન કરે છે. પક્ષીઓના શહેરીમાં PAHsની સાંદ્રતા થ્રેશોલ્ડથી નીચે હતી, પરંતુ વિવિધ પ્રજાતિઓમાં PAHs હાજરી જણાવે છે કે શહેરી સતત પ્રદુષણ વચ્ચે જીવી રહ્યા છે અને ઝેરી વાયુ શ્વાસમાં લઇ રહ્યા છે, જે લાંબા ગાળે નુકશાન પહોંચાડી શકે છે.