Wed Sep 02 2026

Logo

હવે કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા, 22 વર્ષની વિધીને ચપ્પુના ઘા મારીને પતાવી દેવાઈ

2026-05-28 11:57:00
Author: Mayur Patel
હવે કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા, 22 વર્ષની વિધીને ચપ્પુના ઘા મારીને પતાવી દેવાઈ

અમદાવાદઃ અમેરિકામાં ગુજરાતી પાટીદાર યુવતીની ઘટના તાજી જ છે ત્યાં હવે કેનેડામાં પણ એક ગુજરાતી યુવતીની હત્યા કરી દેવાઈ છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધી કલ્પેશભાઈ મેઘા કેનેડામાં અભ્યાસ માટે ગઈ હતી. વિધીની કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  15મી મેના રોજ અમેરિકની સરહદ નજીક આવેલા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગતો હમણાં બહાર આવી છે. યુવતીના મોતના સમાચાર મળતાં જ  તેના પરિવાર અને સગાસંબંધીઓમાં  શોકનું મોજું ફરી વળ્યું છે. 

ચાર વર્ષથી રહેતી હતી કેનેડામાં

વિધીની હત્યા કેમ કરાઈ એ અંગે વધારે વિગતો બહાર આવી નથી પણ લૂંટના ઈરાદે આવેલા શખ્શોએ તેની હત્યા કર્યાની શક્યતા છે. મૃતક વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. વિધી અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતી હતી. 

પી.આર. પ્રોસેસ કરી હતી શરૂ

કેનેડામાં કાયમી વસવાટ કરી શકાય એ માટે પી.આર. મેળવવાની પ્રક્રિયા પણ વિધીએ શરૂ કરી હોવાનું કહેવાય છે. અભ્યાસ સાથે નોકરી કરતી વિધી પર  ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવતાં થયેલી ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે શરૂ કરી તપાસ

કેનેડાની પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી લીધો છે. હુમલાખોર કોણ હતો, હત્યા પાછળનો  હેતુ શું હતો અને વિધી તેને ઓળખતી હતી કે નહીં એ દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કરીને સઘન તપાસ હાથ ધરી છે.

22 વર્ષની આશાસ્પદ દીકરીની હત્યાના સમાચાર વતન બોરસદમાં પહોંચતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. દીકરીના અકાળે અવસાનથી પરિવાર ઘેરા સદમામાં છે અને વહેલી તકે ન્યાય મળે તેવી આશા રાખી રહ્યો છે.

તાજેતરમાં અમેરિકામાં થઈ હતી યુવતીની હત્યા

થોડા દિવસ પહેલા અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્યા યુવકે ગોળી મારી નિર્મમ હત્યા કરી  હતી. મેઘના પટેલ પોતાના પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ ત્યાં પરિવાર સાથે સામાન્ય જીવન જીવતા હતા.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો સાથે બનતી ગુનાહિત ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉપરોક્ત ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.