Mon Jul 27 2026

Logo

કોલકાતા હાઈકોર્ટે સાંસદ અભિષેક બેનર્જીને રાહત આપી, પોલીસ કાર્યવાહી પર કામચલાઉ રોક

2026-05-21 19:02:01
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કોલકાતા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સાંસદ અભિષેક બેનર્જીને રાહત આપી છે. જેમાં કોર્ટે પોલીસને તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે કામચલાઉ રોક લગાવી છે. જેમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેની બાદ અભિષેક બેનર્જીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. 

અભિષેક બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંગે ભડકાઉ ટિપ્પણી કરી હતી

પશ્ચિમ બંગાળ પોલીસે અભિષેક બેનર્જી વિરુદ્ધ  ચૂંટણી પરિણામો જાહેર થયાના એક દિવસ પછી 5 મેના રોજ આ એફઆઇઆર નોંધી હતી. આ કેસ ઉત્તર 24 પરગણા જિલ્લાના બિધાનનગર પોલીસ કમિશનરેટના અધિકારક્ષેત્ર હેઠળ આવતા બાગુઆટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદ સામાજિક કાર્યકર રાજીવ સરકારે નોંધાવી હતી. જેમાં આરોપ છે કે, ચૂંટણી રેલીઓ દરમિયાન, અભિષેક બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંગે ભડકાઉ ટિપ્પણી કરી હતી. તેમના કેટલાક નિવેદનો એવા હતા જે સંભવિત રીતે જાહેર વ્યવસ્થા અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે.

ચૂંટણીમાં નેતાઓમાં એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા  

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026ની  પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ અત્યંત રસાકસીભર્યા  રાજકીય વાતાવરણ વચ્ચે યોજાઈ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન  તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતાઓમાં એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા . 

ભાજપે પહેલીવાર રાજ્યમાં સત્તા મેળવી

જેમાં ખાસ કરીને  ટીએમસી અને ભાજપ વચ્ચેની સ્પર્ધા ખૂબ જ આક્રમક હતી. ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને, ભાજપે પહેલીવાર રાજ્યમાં સત્તા મેળવી હતી. જ્યારે ટીએમસીને 15 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ  કારમી હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન  કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.