નવી દિલ્હી: ભારતીય સંસદના બજેટ સત્રનો આજથી મંગલ પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન કરીને સત્રની શરૂઆત કરાવી હતી. 21મી સદીના બીજા ક્વાર્ટરની શરૂઆત અને 'વિકસિત ભારત 2047'ના લક્ષ્યને હાંસલ કરવા માટે આ સત્ર અત્યંત મહત્વનું મનાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે સરકાર હવે સુધારાઓની તેજ ગતિ એટલે કે ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર આગળ વધી રહી છે.
વડાપ્રધાને મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આ વર્ષનું બજેટ ઐતિહાસિક હશે કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે. આ કોઈપણ મહિલા નાણામંત્રી માટે ગૌરવની ક્ષણ છે. આજે લોકસભામાં દેશની અર્થવ્યવસ્થાનું ચિત્ર રજૂ કરતો 'આર્થિક સર્વે' (Economic Survey) રજૂ કરવામાં આવશે, જે આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026ની પૂર્વતૈયારી સમાન છે.
તાજેતરમાં ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ દેશના ઉત્પાદકોને મોટી સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, વિશ્વના 27 દેશોનું બજાર હવે ભારત માટે ખુલી ગયું છે ત્યારે ભારતીય કંપનીઓએ માત્ર સસ્તા સામાન પર નહીં પણ 'શ્રેષ્ઠ ગુણવત્તા' (Best Quality) પર ધ્યાન આપવું જોઈએ. જો આપણા ઉત્પાદનોની ક્વોલિટી સારી હશે, તો આપણે લાંબા ગાળે વૈશ્વિક બજાર પર કબજો જમાવી શકીશું.
એક તરફ સરકાર આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષી દળોએ G-RAM-G બિલ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દાઓ પર અગાઉના સત્રમાં ચર્ચા થઈ ચૂકી હોવાથી અત્યારે બજેટ અને દેશના આર્થિક વિકાસ સાથે જોડાયેલા વિષયો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.