Wed Apr 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 27 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-27 08:25:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-03-27 21:36:08

લદ્દાખના ઝોજિલામાં હિમસ્ખલન થતા સાતના મોત, શ્રીનગર-લેહ હાઇવે બંધ

લદ્દાખના ઝોજિલામાં  શ્રીનગર-લેહ હાઇવે પર ભારે હિમસ્ખલન થતા સાત લોકોના મોત થયા છે.  જ્યારે પાંચ લોકો ઘાયલ  છે અને એક વ્યકિત ગુમ છે. આ ભારે હિમસ્ખલનના અનેક વાહનો દટાયા છે. તેમજ શ્રીનગર-લેહ હાઇવે  બંધ થયો છે.

2026-03-27 21:19:40

પ. બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો

વિધાનસભાની ચૂંટણી પૂર્વે પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા વખતે પથ્થરમારાની ઘટનામાં જોરદાર હિંસા ભડકી ઊઠી હતી. બાંગ્લાદેશ સરહદ નજીકના મુરશિદાબાદ જિલ્લાના જંગીપુરના રઘુનાથગંજમાં હિંસાને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો.

2026-03-27 19:40:29

શ્રીનગર-લેહ હાઈવે પર હિમસ્ખલનમાં 6 મોત

શ્રીનગર-લેહ હાઈવે પરના જોજિલા પાસ નજીક હિમસ્ખલનને કારણે જાનહાનિના સમાચાર છે. હિમસ્ખલનમાં છ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટના પછી પોલીસ અને પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

2026-03-27 19:25:40

ઈરાને ચીનના બે મોટા કન્ટેનર જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા રોક્યા, પરત મોકલ્યા

અમેરિકા -ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં પણ ઈરાનને રશિયા અને ચીન દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ઈરાને ચીન માટે  હોર્મુઝ સ્ટ્રેટને  સંપૂર્ણપણે ખુલ્લો રાખ્યો છે. જોકે, આજના નવા ઘટનાક્રમમાં ઈરાને ચીનને આંચકો આપતો નિર્ણય કર્યો છે. ઈરાને  હોર્મુઝ સ્ટ્રેટમાંથી ચીનની સરકારી કંપની  COSCO ના બે મોટા કન્ટેનર જહાજોને પરત મોકલી દીધા છે.

2026-03-27 19:22:59

પીએમ મોદીની રાજ્યના સીએમ સાથે બેઠક શરુ

ઈરાન યુદ્ધને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક શરુ કરી. બેઠકમાં પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાના મોડલના આધારે તમામ રાજ્ય સરકારને કેન્દ્ર સાથે મળીને એક ટીમના માફક કામ કરવાનો કર્યો અનુરોધ.

2026-03-27 17:47:42

તમિલનાડુમાં ભાજપને 'ફટકો'

તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ફટકો પડ્યો છે. એઆઈડીએમકેની સાથે સીટ વહેંચણી મુદ્દે નારાજ રાજ્યના દિગ્ગજ ભાજપના નેતા અન્નામલાઈએ ચૂંટણી નહીં લડવાનો લીધો નિર્ણય અને પોતાની નારાજગી અંગે દિલ્હી હાઈકમાન્ડને લેખિતમાં પત્ર લખ્યો છે.

2026-03-27 17:28:24

ભારતે રશિયા સાથે કરી તુંગુસ્કા એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા રૂપિયા 858 કરોડની ડિફેન્સ ડીલ

ભારત સતત દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. જેમાં ભાગરૂપે ભારતે રશિયા પાસે રૂપિયા 858 કરોડની ડિફેન્સ ડીલ કરી છે. જેમાં ભારત હવે અત્યાઆધુનિક તુંગુસ્કા એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. જેના પગલે દેશની એર ડિફેન્સ સિસ્ટમ વધુ મજબૂત થશે.

2026-03-27 16:55:05

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વારસાઇ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

ગુજરાતમાં  સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને  નિર્ણય કર્યો છે.

2026-03-27 16:39:30

શેરબજાર અને રુપિયો બંને તૂટ્યાં

અઠવાડિયાના અંતિમ દિવસે શેરબજાર અને કરન્સી માર્કેટમાં રુપિયો ઐતિહાસિક મથાળે તૂટ્યો છે. મુંબઈ શેરબજારના મહત્ત્વના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ નકારાત્મક સેન્ટિમેન્ટમાં બંધ થયા. સેન્સેક્સ 1690 અને નિફ્ટી 486 પોઈન્ટ તૂટતા બંને ઈન્ડેક્સ અનુક્રમે 73,583.22 અને નિફ્ટી 22,819.60 પોઈન્ટના મથાળે બંધ રહ્યા, જ્યારે ડોલર સામે રુપિયો પણ ઐતિહાસિક મથાળે તૂટીને 94.29 મથાળે રહ્યો.

2026-03-27 15:55:29

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ યથાવત, ઈરાન બનાવી રહ્યું છે નવી રણનીતિ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે વાતચીત કરવાનો માહોલ બનાવી રહ્યા છે. તો બીજી તરફ ઈરાનને અમેરિકા પર વિશ્વાસ નથી. તેમજ તે અમેરિકાના  ચેતવણી પણ આપી રહ્યું  છે જો ઇરાનના કોઇપણ પ્રદેશ પર હુમલો કરવામાં આવશે તે બીજો જળમાર્ગ પર બંધ કરી દેશે. તેમજ ઇરાને હવે અમેરિકા વિરુદ્ધ રણનીતિ બદલી છે જેમાં હવે પશ્ચિમ એશિયામાં તે હોટલોને નિશાન બનાવશે જ્યાં અમેરિકન સૈનિકો તૈનાત છે.

2026-03-27 15:41:20

અમદાવાદના સરખેજમાં કારમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ સરખેજની એલ. જે. કોલેજની પાછળની ભાગે આવેલા ગેરેજમાંથી  લાંબા સમયથી પાર્ક કારમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર  ઘટનાની તપાસ હાથ ધરી છે.

2026-03-27 14:46:29

મિડલ ઈસ્ટ સંકટ: રાજનાથ સિંહના અધ્યક્ષપદે હાઈ-લેવલ કમિટીની રચના

સૂત્રોના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉભી થતી સમસ્યાઓ પર નજર રાખવા માટે સરકારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં એક ઈન્ટર મિનિસ્ટ્રીયલ ગ્રુપની રચના કરી છે. આ સમિતિના સભ્યોમાં ગૃહ પ્રધાન અમિત શાહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી સહિત અન્ય પ્રધાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

2026-03-27 13:25:19

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ખામેનેઈના પોસ્ટરો લહેરાવીને થયું પ્રદર્શન

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ આજે ગૃહનું વાતાવરણ સંપૂર્ણપણે ગરમાઈ ગયું હતું. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ધારાસભ્યોએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને વિધાનસભા સંકુલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્યોએ હાથમાં ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈની તસવીરો અને પોસ્ટરો લહેરાવીને પ્રદર્શન કર્યું હતું.

2026-03-27 11:23:29

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ટ્રમ્પે મોદીની કરી પ્રશંસા

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. ભારતમાં અમેરિકી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પનું નિવેદન શેર કરતા લખ્યું કે- ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. વડા પ્રધાન મોદી અને અમે એવા બે વ્યક્તિ છીએ જે કામની શરૂઆત કરે છે તેને પૂરું કરીને જ બતાવે છે.  મોટાભાગના લોકો વિશે આમ કહી શકાય તેમ નથી.

2026-03-27 10:00:01

રુપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો

ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. ડૉલર સામે રૂપિયો 28 પૈસા તૂટીને  94.24ના રેકોર્ડ નીચલા સ્તર પહોંચી ગયો છે. રૂપિયો નબળો પડતાં દેશમાં મોંઘવારી વધી શકે છે. તેમજ તમામ વસ્તુઓના ભાવ પણ વધી શકે છે.

2026-03-27 09:27:46

પેટ્રોલ - ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટી

દેશમાં પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ ડીઝલ ઉપર એક્સાઇઝ ડયુટી ઘટાડવામાં આવી છે. એક્સાઇઝ ડયુટીમાં ₹10 નો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ પર ડ્યુટી હવે 13 ને બદલે 3 રૂપિયા અને ડીઝલ ઉપર હવે એક્સાઇઝ ડયુટી શૂન્ય કરવામાં આવી છે.

2026-03-27 09:20:30

નેપાળના સૌથી યુવા પીએમ તરીકે શપથ લેશે બાલિન્દ્ર શાહ

રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના નેતા બાલિન્દ્ર શાહ શુક્રવારે નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લેશે. તેઓ દેશના સૌથી યુવા વડા પ્રધાન બનશે. આ પહેલાં, ગુરુવારે સંસદ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં નેપાળ  નવા સાંસદોએ શપથ લીધા હતા.

2026-03-27 08:42:12

જગ વસંત LPG ટેન્કર જહાજ કંડલા બંદરે પહોંચ્યું

ભારતનું જગ વસંત નામનું એલપીજી ટેન્કર જહાજ કંડલા બંદરે પહોંચી ગયું છે. જગ વસંત એલપીજી ટેન્કર 42 હજાર મેટ્રિક ટનથી પણ વધારે ગેસ લઈને આવ્યું છે. વિશ્વમાં ગેસ અને ઈંધણની અછતના કારણે આર્થિક સ્થિતિ કપરી બની છે. જેવામાં ભારતની કૂટનીતિના કારણે વધુ એક જહાર હોર્મુઝ પાર કરીને ગુજરાતના કંડવા બંદરે આવી ગયું છે.

2026-03-27 08:31:09

10 લડવૈયા તૈયાર હોવાનો ઈરાને કર્યો દાવો

ઈરાને અમેરિકાને કડક ચેતવણી આપી છે કે જો તે ઈરાન પર જમીની હુમલો કરશે, તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. સૂત્ર અનુસાર, અત્યાર સુધીમાં આશરે 10 લાખ લડવૈયાઓને તાલીમ આપવામાં આવી છે. આમાં સ્વેચ્છાએ સેનામાં જોડવા માંગતા યુવાનોની સંખ્યા મોટા પ્રમાણમાં છે.

2026-03-27 08:26:05

આજે વડા પ્રધાન મોદી મુખ્ય પ્રધાનો સાથે કરશે બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીવાળા રાજ્યોને બાદ કરતાં અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. ખાડી ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા બાદ મુખ્ય પ્રધાન સાથે વડા પ્રધાન મોદીની આ પ્રથમ બેઠક હશે. કેબિનેટ સચિવાલય ચૂંટણીવાળા રાજ્યો—તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્ય સચિવો સાથે અલગથી બેઠક કરશે