Tue Sep 08 2026

Logo

રસ્તા પર જન્મદિનની ઉજવણી કરી ઍરગનથી ફાયરિંગ: 10 પકડાયા

2026-08-06 20:54:52
Author: Yogesh C. Patel
રસ્તા પર જન્મદિનની ઉજવણી કરી ઍરગનથી ફાયરિંગ: 10 પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બોરીવલીમાં મધરાતે રસ્તા પર જન્મદિનની ઉજવણી વખતે ભારે ધમાલ કરીને ઍરગનથી ફાયરિંગ કરવામાં આવ્યાનો વીડિયો વાયરલ થતાં પોલીસે 10 શકમંદને તાબામાં લઈ તપાસ હાથ ધરી હતી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં આકાશ નામના યુવકનો જન્મદિન ઊજવતા મિત્રો નજરે પડે છે. રસ્તાની વચ્ચે ઈનોવા કાર ઊભી રાખવામાં આવી છે. તેના બોનેટ પર પાંચથી છ કેક મૂકીને ઉજાણી કરતા યુવાનોમાંથી એક હવામાં ગોળીબાર કરતો વીડિયોમાં નજરે પડે છે. આ વીડિયોની પોલીસે ગંભીર નોંધ લઈ તપાસ હાથ ધરી હતી.

તપાસમાં જણાયું હતું કે ઘટના બુધવારની મધરાતે 12.30 વાગ્યાની આસપાસ બોરીવલી પશ્ર્ચિમમાં ગોરાઈ વિસ્તારની સુવિદ્યા સ્કૂલ નજીકની એક સોસાયટી બહાર બની હતી. સોસાયટીમાં રહેતા આકાશ રામકૃપાલ ગુપ્તા (26)ના જન્મદિનની મિત્રો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

રસ્તાની વચ્ચે કાર પાર્ક કરીને કેક કાપવામાં આવ્યો હતો. જોર જોરથી બૂમો પાડીને યુવાનોએ ધમાલ મચાવી હતી. તપાસમાં જણાયું હતું કે જતીન નવીન શર્મા (26) તેની ઍરગન લાવ્યો હતો. એ ઍરગનમાંથી વિજેશ ઉપાધ્યાયે (26) હવામાં ગોળીબાર કર્યો હતો. ગોળીબારના અવાજથી રહેવાસીઓમાં ડર ફેલાયો હતો.

વીડિયો અને રહેવાસીઓની પૂછપરછ બાદ બોરીવલી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. તપાસ માટે આકાશ, જતીન અને વિજેશ સહિત 10 જણને તાબામાં લેવાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.