Sat Oct 03 2026

Logo

મંજૂરી વિના વોટ્સએપ ગ્રુપ બનાવવું એ કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવા માટેનું પૂરતું કારણ નથી: હાઈ કોર્ટ

2026-09-18 22:24:18
Author: Mumbai Samachar Team
મંજૂરી વિના વોટ્સએપ ગ્રુપ બનાવવું એ કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવા માટેનું પૂરતું કારણ નથી: હાઈ કોર્ટ

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ (ટીઆઇએસેસ)ના એક પ્રોફેસરને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશને રદ કર્યો છે. આ પ્રોફેસરે ટીઆઇએસેસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, નોકરી આપનારની મંજૂરી વિના માત્ર આવું ગ્રુપ બનાવવું એ કોઈની સફળ કારકિર્દીનો અંત લાવવાનું યોગ્ય કારણ નથી.

હાઈ કોર્ટે પ્રોફેસર ડૉ. સ્વપન ગરાઈન પર લાદવામાં આવેલી સજાને અતાર્કિક અને અપ્રમાણસર ગણાવી હતી અને અંગ્રેજ બેરિસ્ટર તથા ન્યાયાધીશ લોર્ડ ડિપ્લોકના શબ્દો ટાંકીને ટિપ્પણી કરી હતી કે, "તમે અખરોટ તોડવા માટે હથોડાનો ઉપયોગ ન કરી શકો."

ન્યાયમૂર્તિ એમ. એસ. કર્ણિક અને સંદેશ પાટિલની ખંડપીઠે ૧૬ સપ્ટેમ્બરના પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, પ્રોફેસર સામેનો એકમાત્ર આરોપ એ હતો કે તેમણે ટીઆઇએસેસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને પ્લેસમેન્ટ સેવાઓના વ્યવસાય માટે તેનો ઉપયોગ  કરતા હતા. અદાલતે નોંધ્યું કે તેઓ આ સેવા માટે પૈસા વસુલતા હતા એવું સાબિત થયું નથી. આ વોટ્સએપ ગ્રુપ માત્ર ટીઆઇએસેસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતીની આપ-લે કરવાનું એક માધ્યમ હતું.

કોર્ટે નોંધ્યું કે ગરાઈન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને ૧૯૮૫થી મુંબઈ સ્થિત સંસ્થામાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા. માત્ર સંસ્થાની પરવાનગી વગર વોટ્સએપ ગ્રુપ બનાવવા માટે આટલી કઠોર સજા કરવી યોગ્ય નથી.

કોર્ટે પ્રોફેસરને ફરજિયાત નિવૃત્ત કરવાના સજાના આદેશને રદ કર્યો અને ટીઆઇએસેસને આદેશ આપ્યો કે તેઓ ગરાઈનને તેમની સેવા સમાપ્તિની તારીખથી લઈને નિવૃત્તિની તારીખ સુધીના સમયગાળાના ૫૦ ટકા પગારની ચુકવણી કરે.