Thu Sep 03 2026

Logo

બીએમસી એક્શન મોડ: દાદર પૂર્વમાં સ્ટેશન બહારનાં અતિક્રમણનો સફાયો

2026-02-13 19:25:13
Author: Sapna Desai
બીએમસી એક્શન મોડ: દાદર પૂર્વમાં સ્ટેશન બહારનાં અતિક્રમણનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી પાર પડવાની સાથે જ મુંબઈમાં ઠેર ઠેર થઈ ગયેલા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી મોટા પાયા પર હાથ ધરવામાં આવી રહી છે, જે અંતગર્ત પાલિકાના એફ દક્ષિણ વોર્ડ દ્વારા શુક્રવારે દાદર (પૂર્વ)માં  દાદાસાહેબ ફાળકે માર્ગ, મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રાલય માર્ગ પાસે કાર્યવાહી કરી હતી.

પાલિકાના  એફ દક્ષિણ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર  વૃષલી ઇંગલે જણાવ્યું હતું કે  ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ એફ/સાઉથ ઓફિસના વિવિધ વિભાગોની સંયુક્ત ટીમે રસ્તાઓ અને ફૂટપાથ પર અતિક્રમણ કરનારા ફેરિયાઓ, દુકાનો/સ્થાનો તેમજ અસામાજિક તત્વો દ્વારા એકત્રિત કરવામાં આવેલા કચરા સામે અતિક્રમણ દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી હતી. મુખ્યત્વે દાદર પૂર્વમાં સ્ટેશન બહાર અને હિંદમાતા વિસ્તારનો સમાવેશ થાય છે 

ઉક્ત કામગીરી દરમિયાન, ૩૫ ફેરિયાઓ/વિક્રેતાઓ અને ૧૨ ઝૂંપડાઓ સામે ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી માટે, સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત  હેઠળ ૧૫ અધિકારીઓ/કર્મચારીઓ, ૨૫ કામદારો, ૦૨ જેસીબી મશીનો અને ૦૩ ડમ્પરો સામેલ હતા.

આ કામગીરીને કારણે રસ્તાઓ અને ફૂટપાથ વાહનો અને રાહદારી માટે ખુલ્લી થઈ હતી.