બોરીવલી, કાંદિવલી, ચારકોપ, મલાડમાં ગટર છલકાવાનું પ્રમાણ ઘટશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સ્યુએજ મેનેજમેન્ટ અને પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસોને નોંધપાત્ર પ્રોત્સાહન આપતા મુંબઈ મહાનગરપાલિકાએ બોરીવલીમાં ડોન બોસ્કો સ્કૂલ જંકશનથી માલવણીના ન્યૂ મલાડ પમ્પિંગ સ્ટેશન સાથે જોડતી ૫.૮ કિમી લાંબી અંડર ગ્રાઉન્ડ ટનલનું અંતિમ કામ (બ્રેક થ્રૂ) પૂર્ણ કર્યું છે.પાલિકાના પ્રાયોરિટી સ્યુએજ ટનલ ફેઝ-૧ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી અંડર ગ્રાઉન્ડ ટનલનું ’બ્રેક-થ્રુ’ સફળતાપૂર્વક પૂર્ણ થવાની સાથે જ પ્રોજેક્ટનું ૯૦ ટકા કામ પૂરું થયું છે અને ૩૧ જુલાઈ, ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
પાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રાયોરિટી સ્યુએજ ટનલ ફેઝ-૧ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમુદ્ર અને નદીના પાણીમાં છોડવામાં આવતા ગટરના પાણીની ગુણવત્તા સુધારવા અને જળ પ્રદૂષણને રોકવાનો છે.
સ્યુએજ ટનલ ફેઝ-૧ પ્રોજેક્ટનું કામ સેગમેન્ટલ લાઇનિંગ ટૅકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આ ટનલનો આંતરિક વ્યાસ ૩.૨ મીટર છે અને તેની સ્યૂએજ વહન કરવાની ક્ષમતા ૧,૧૮૨ મિલ્યન લિટર પ્રતિ દિવસ છે. આ માળખામાં પાંચ શાફ્ટ, ત્રણ ડ્રોપ શાફ્ટ અને છ સ્ક્રીન ચેમ્બરનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ મુંબઈના પશ્ર્ચિમ ઉપનગરમાં ખાસ કરીને દહિસર, બોરીવલી, ગોરાઈ, ચારકોપ, મલાડ અને કાંદિવલી પરિસરમાં હાલનું સ્યૂએજ (ગટર) નેટવર્ક સક્ષમ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ શરૂ થઈ જશે એ બાદ પહેલા તબક્કામાં દહિસર, બોરીવલી, ગોરાઈ, શિમ્પોલી અને ચારકોપમાં ગટર-વહન ક્ષમતા પ્રતિ દિન ૧,૧૩૬ મિલ્યન લિટર સુધી વધારવાની અપેક્ષા છે, જેનાથી હાલના ગટર નેટવર્ક પરનો બોજ ઓછો થશે અને ગટર ઓવરફ્લોનું જોખમ ઘટશે.
આ અંડરગ્રાઉન્ડ ટનલ એકમાં ગોરાઈ, શિંપોલી, ચારકોપ અને મલાડ આ ચાર પમ્પિંગ સ્ટેશનો તરફ આવતા ગટરના પાણીને વાળવામાં આવશે, જેનાથી આ ચારેય પમ્પિંગ સ્ટેશન પરનો ભાર ઘટશે અને તેને કારણે પમ્પિંગ સ્ટેશનની જાળવણી અને સમારકામ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રોજેક્ટ ગંદા પાણીના વ્યવસ્થાપનમાં સુધારો કરશે અને મુંબઈની નદીઓ અને દરિયાકાંઠાના પાણીમાં પ્રદૂષણને રોકવામાં મદદ મળશે.