Fri Oct 09 2026

Logo

હીટ વેવ હેઠળ મુંબઈગરા સતત બીજા દિવસે ગરમી અને ઉકળાટથી બેહાલ

2026-10-09 22:39:53
Author: Sapna Desai
હીટ વેવ હેઠળ મુંબઈગરા સતત બીજા દિવસે ગરમી અને ઉકળાટથી બેહાલ

AI (પ્રતીકાત્મક તસવીર)


સાંતાક્રુઝમાં ૩૭.૮ ડિગ્રી તો કોલાબામાં ૧૨ વર્ષ બાદ ઓક્ટોબર મહિનાનું બીજું સૌથી ઊંચું તાપમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ શુક્રવારે સતત બીજા દિવસે પણ ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે શુક્રવાર અને શનિવાર બે દિવસ માટે હીટ વેવ (લૂ) માટે યલો અલર્ટની આપેલી ચેતવણી મુજબ શુક્રવારના ગરમ પવન ફૂંકાવાની સાથે જ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૭.૮ઓઈ નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં ૪.૭ ડિગ્રી વધારે હતું. 
ચોમાસાની જલદી વિદાય સાથે જ મુંબઈમાં તાપમાનમાં મોટો વધારો નોંધાયો છે. ગુરુવારના સાંતાક્રુઝમાં ગુરુવારે ૩૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે  છેલ્લાં આઠ વર્ષમાં ઑક્ટોબર મહિનાનું સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું.

હવામાન વિભાગે શુક્રવાર અને શનિવારના ઊંચા તાપમાનની શકયતા સાથે યલો અલર્ટની ચેતવણી આપી હતી. તે મુજબ શુક્રવારે તાપમાનનો પારો ગુરુવાર કરતાં થોડો  ઊંચો નોંધાયો હતો. શુક્રવારના સાંતાક્રુઝમાં ૩૭.૮ ડિગ્રી તાપમાન હતું, જે અને ૨૦૧૪ પછી આ વેધશાળામાં નોંધાયેલા ઑક્ટોબર મહિનાના સૌથી ઊંચા તાપમાનમાંનું એક હતું. આ સમયગાળા દરમ્યાન સૌથી વધુ તાપમાન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ ૩૮.૬ ડિગ્રી નોંધાયું હતું, ત્યારબાદ ૨૯ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

કોલાબા વેધશાળાએ શુક્રવારે ૩૭ ડિગ્રી તાપમાન નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં ૪.૪ ડિગ્રી વધારે હતું. ૨૦૧૪ પછી ત્યાં નોંધાયેલા ઑક્ટોબર મહિનાના સૌથી ઊંચા તાપમાનમાં આનો સમાવેશ થાય છે, તે સમયે ૧૭ ઑક્ટોબરે ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સમયગાળા દરમ્યાન સૌથી વધુ તાપમાન ૩૦ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ ૩૭.૨ ડિગ્રી નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગના કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળા દ્વારા નોંધવામાં આવેલ ભેજની માત્રા અનુક્રમે ૮૧ ટકા અને ૭૩ ટકા હતી.

એન્ટિસાયકલોન જવાબદાર
ભારતીય હવામાન વિભાગનાં  વૈજ્ઞાનિક સુષ્મા નાયરે તાપમાનમાં થયેલા આ વધારા માટે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો પર સર્જાયેલા ‘એન્ટિસાયક્લોન’ (પ્રતિ-ચક્રવાત) ને જવાબદાર ગણાવ્યું હતું. આ સિસ્ટમને કારણે દરિયાઈ પવન અટકી ગયા છે, જે સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસની ગરમીથી રાહત અપાવે છે. તેમણે વધુમાં  જણાવ્યું હતું કે એન્ટિસાયક્લોન એ હવાનું પરિભ્રમણ છે જેના કારણે હવા જમીન તરફ નીચે બેસે છે. મુંબઈ પરની આ સિસ્ટમ સુવ્યવસ્થિત છે અને સ્વચ્છ, વાદળરહિત આકાશને કારણે તાપમાનમાં વધુ વધારો થયો છે.  શનિવારે આ સિસ્ટમની તીવ્રતા ઘટવાની અને તેમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે, જેનાથી થોડી રાહત મળી શકે છે. પૂર્વ અને ઉત્તર દિશાના પવન, જે પ્રમાણમાં સૂકા હોય છે, તે પણ આ વિસ્તારના હવામાન પર અસર કરી રહ્યા છે. 

કોંકણમાં ઊંચું તાપમાન
હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પર ફૂંકાતા ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાના પવનને કારણે દરિયાઈ પવન (સી-બ્રીઝ) શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. આના પરિણામે કોંકણ વિસ્તારમાં તાપમાન વધી રહ્યું છે, જ્યાં અનેક સ્થળોએ તાપમાન ૩૮-૩૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 

ચોમાસાની જલદી વિદાય
સામાન્ય રીતે મુંબઈમાંથી નૈર્ઋત્યના ચોમાસાની વિદાય આઠથી ૧૧ ઑક્ટોબરની વચ્ચે થતી હોય છે, પરંતુ આ વર્ષે નિયમ સમય કરતાં વહેલા એટલે ત્રણ ઑક્ટોબરે જ તેણે વિદાય લઈ લીધી હતી. ચોમાસાના ચાર મહિના દરમ્યાન સપ્ટેમ્બર મહિનો મોટાભાગે સૂકો રહ્યો હતો અને ચોમાસાની વિદાય દરમ્યાન સામાન્ય રીતે જોવા મળતી ગાજવીજ સાથેની વરસાદી પ્રવૃત્તિઓ પણ જોવા મળી ન હતી. ચોમાસાની જલદી વિદાય સાથે ઑક્ટોબર હીટનો અનુભવ પણ જલદી અનુભવવા મળ્યો છે.

હીટવેવ કયારે જાહેર થાય?
મુંબઈ અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગ હીટવેવ (લૂ) જાહેર કરવાના માપદંડોમાં વાસ્તવિક તાપમાન અને સામાન્ય તાપમાન કરતાં તેમાં થયેલા વધારા - બંનેને ધ્યાનમાં લે છે. જ્યારે મહત્તમ તાપમાન ઓછામાં ઓછું ૩૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે અને સતત બે દિવસ સુધી સામાન્ય તાપમાન કરતાં ૪.૫ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય, ત્યારે હીટવેવ જાહેર કરવામાં આવે છે.