મુંબઈ: વૈશ્વિક સ્તરે યુદ્ધની વકરી રહેલી સ્થિતિની સાથે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે એટીએફના ભાવમાં વધારા વચ્ચે તહેવારોમાં ડોમેસ્ટિક એરલાઈન્સના ભાડા આસમાને પહોંચતા સામાન્યથી લઈ મિડલ ક્લાસના લોકો માટે હવાઈ મુસાફરી કરવાનું સપના સમાન બન્યું છે.
દિવાળીના તહેવારમાં વતન જવા માટે વિમાનની ટિકિટ ખરીદવી આ વર્ષે મોંઘી પડી રહી છે. કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટનાં ભાડાંમાં સામાન્ય દિવસોની સરખામણીએ 450 ટકાથી વધુનો વધારો થયો છે. સ્થિતિ એવી છે કે 7 નવેમ્બરે મુંબઈથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ટિકિટ ₹26,560 થઈ છે, જ્યારે ભારતથી લંડન જવાની ટિકિટ આશરે ₹25,500માં ઉપલબ્ધ છે.
સ્પાઈસ જેટની ટિકિટના સૌથી વધુ ભાડું
15 નવેમ્બરે દિલ્હીથી મુંબઈ આવતી સ્પાઈસજેટની ટિકિટ ₹ 28,130 સુધી પહોંચી છે, જે સામાન્ય ભાડા કરતાં 462 ટકા વધુ છે. 6 નવેમ્બરે મુંબઈ-અમદાવાદનું ભાડું ₹12,545 (318 ટકા વધારો), 8 નવેમ્બરે મુંબઈ-પટનાનું ₹28,221 (303 ટકા વધારો) અને મુંબઈ-નાગપુરનું ₹21,008 (320 ટકા વધારો) નોંધાયું હતું. મુંબઈ-કોલ્હાપુર રૂટ પર સ્ટાર એરની ટિકિટ ₹9,820 થઈ છે, જે સામાન્ય ભાડા કરતાં 145 ટકા વધુ છે.
સુપ્રીમ કોર્ટમાં આપી હતી ખાતરી પણ
બીજી તરફ, 7 નવેમ્બરે ભારતથી લંડન જવાની એતિહાદ એરવેઝ અને અઝરબૈજાન એરલાઈન્સની ટિકિટ આશરે ₹ 25,500માં મળી રહી છે. બેંગકોક, દુબઈ, કોલંબો, સિંગાપોર અને ફુકેટની ટિકિટ ₹ 15,000થી ₹ 22,000 વચ્ચે છે. તહેવારો દરમિયાન વધતી માંગ અને ડાયનેમિક પ્રાઇસિંગ પર નિયંત્રણ માટેના નિયમો જાહેર કરવામાં સરકારના વિલંબને ભાવવધારાનું કારણ ગણાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આપેલી ખાતરી મુજબ 30 ઑક્ટોબર સુધીમાં ભાડાં નિયંત્રણનું માળખું જાહેર થવાનું હતું, પરંતુ સમયમર્યાદા ચૂકી ગઈ હતી.
સામાન્ય ભાડા કરતાં 134 ટકા વધુ
નવા વર્ષની ઉજવણી માટે પણ ભાડાં વધ્યાં છે. 30 ડિસેમ્બરે મુંબઈ-ગોવાની ટિકિટ ₹ 13,469 (284 ટકા વધારો), મુંબઈ-ભુજની ₹ 13,522 (170 ટકા વધારો) અને મુંબઈ-બેંગ્લુરુની ₹ 11,777 (161 ટકા વધારો) થઈ છે. મુંબઈ-દિલ્હી રૂટ પર નવા વર્ષની પૂર્વસંધ્યાએ ટિકિટ ₹ 11,713માં ઉપલબ્ધ છે, જે સામાન્ય ભાડા કરતાં 134 ટકા વધુ છે.
તહેવારોમાં 2,000થી વધુ ટ્રેન દોડાવાશે
વિમાનનાં ઊંચાં ભાડાંને કારણે રેલવેમાં પણ તહેવારો દરમિયાન ભીડ વધી છે. દિવાળીના સપ્તાહમાં દિલ્હી જતી મોટા ભાગની ટ્રેનો ભરચક છે અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી બંને તેજસ એક્સપ્રેસમાં પણ બેઠકો લગભગ ભરાઈ ગઈ છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે તહેવારોની ભીડને પહોંચી વળવા રેલવે 2,000થી વધુ વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આગામી અઠવાડિયાંમાં જરૂરિયાત મુજબ વધુ વિશેષ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે.